અમદાવાદ,તા.૧૩
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણના પલટાને પરિણામે અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડયો હતો પરિણામે ગરમીમાં આંશિક રાહત થઈ હતી. જો કે ફરી એકવાર મહત્તમ તાપમાન વધતા કાળ-ઝાળ ગરમીનું વાતાવરણ નિર્મિત થયું છે. જયારે બીજી તરફ અપર એર સાયકલોનિક સિસ્ટમ પ્રક્રિયા હોવાને કારણે આગામી બે દિવસ રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જયારે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જો કે મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીનું જોર યથાવત રહેશે. છેલ્લા ૪૮ કલાકમાં રાજયના અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડયો હતો જેના કારણે ખેતી અને માર્કેટ યાર્ડમાં પડેલા માલને ભારે નુકસાન થયું છે બે દિવસ બાદ ફરી એકવાર મહત્તમ તાપમાનમાં વધારો થતા રાજયમાં કાળ-ઝાળ ગરમીનું વાતાવરણ નિર્મિત થયું છે આજે રાજયમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે ભૂજમાં ૪૧.ર કંડલામાં ૪૧.૦, રાજકોટમાં ૪૦.૯, અમરેલી ૪૦.૮, અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૦.૦, વડોદરામાં ૩૯.૮, ડીસામાં ૩૯.૬, આણંદમાં ૩૮.પ, ભાવનગરમાં ૩૮.૧ અને નલિયામાં મહત્તમ તાપમાન ૩૬.ર ડિગ્રી જેટલું નોંધાયું હતું. જયારે કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડના અનાજ તેમજ ખેતરોમાં રહેલા પાકને નુકસાન થયું છે. જો કે હજુ પણ કમોસમી વરસાદની આગાહી જોતા ખેડૂતો ચિંતિત બન્યા છે બીજી તરફ ગરમીને પરિણામે પ્રજાજનો પણ પરેશાન થઈ રહ્યા છે.
કયાં કેટલુ તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૧.૮
ભૂજ ૪૧.ર
કંડલા ૪૧.૦
રાજકોટ ૪૦.૯
અમરેલી ૪૦.૮
અમદાવાદ ૪૦.૦
ગાંધીનગર ૪૦.૦
વડોદરા ૩૯.૮
ડીસા ૩૯.૬
આણંદ ૩૮.પ
ભાવનગર ૩૮.૧
નલિયા ૩૬.ર