અમદાવાદ, તા.૯
રાજ્યમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં થઈ રહેલા સતત ઘટાડાને પગલે રાજ્યમાં ફરી એકવાર લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જો કે, બે દિવસ અગાઉ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા. જો કે, ત્યારબાદ ફરી એકવાર ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. આજે ૯ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગરના લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો જ્યારે અમદાવાદમાં ૯.૮, ડીસામાં ૧૧.૧, દીવમાં ૧૧.૪, નલિયામાં ૧૧.૪, મહુવામાં ૧૧.૯, પોરબંદરમાં ૧૧.૯, અમરેલીમાં ૧૩.ર, કંડલામાં ૧૩ અને વલસાડમાં ૧૩.૬ જેટલુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વળી ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો જ્યારે સતત બદલાઈ રહેતા વાતાવરણને પગલે લોકો વારંવાર મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેને લીધે શરદી, ખાંસી અને ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે, આ વખતે ઉત્તરાયણ બાદ વાતાવરણમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હજુ પણ એકાદ સપ્તાહ ઠંડીની અસર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુતમ તાપમાન (ડિગ્રી)
ગાંધીનગર ૯
અમદાવાદ ૯.૮
ડીસા ૧૧.૧
નલિયા ૧૧.૪
દીવ ૧૧.૪
પોરબંદર ૧૧.૯
કંડલા ૧૩
અમરેલી ૧૩.ર
રાજકોટ ૧૪.પ
વડોદરા/ભૂજ ૧૪.૮