કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ અને તલોદમાં પ ઈંચ વરસાદ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ, તા.૧ર
રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યથી ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે સવારથી સાંજના સમયગાળામાં રાજ્યના ૭૮ તાલુકાઓમાં સામાન્યથી સાડા પાંચ ઈંચ જંટલો વરસાદ ખાબક્યો છે. વળી છેલ્લા ર૪ કલાકમાં ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ, જ્યારે સાબરકાંઠાના તલોદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ ખાબક્યો છે. જ્યારે તલોદમાં પાંચ ઈંચ તો ભાવનગરના ઉમરાળા અને વલભીપુરમાં ૪ ઈંચ, ભૂજમાં સાડા ત્રણ ઈંચ, ઉપરાંત ૪ર તાલુકાઓમાં ૧થી ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં પ૬ મીમી, અંજારમાં પપ મીમી, ખંભાળિયામાં પ૪ મીમી, થરાદ અને ધ્રોલમાં પ૧ મીમી, ભાણાદરમાં પ૯ મીમી, કેશોદમાં ૪૮, દાંતીવાડામાં ૪૪, ભાણવડ-૪૦, લાલપુરમાં ર૬, દાહોદ-ચીખલીમાં ૩પ, ડિસામાં ર૭ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ધોરાજી ડેમ ઓવરફલો થતા ભાદર નદીમાં પાણીનું સ્તર વધ્યું છે.
નર્મદામાં ડેમની જળ સપાટીમાં પણ સામાન્ય વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૩૭.પ૦ મીટરે પહોંચી છે. જ્યારે ધરોઈ ડેમ ૯૮.૪પ ટકા ભરાયો છે. ૧૩૮૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જ્યારે આવતી કાલે ૧૩ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ વરસાદી માહોલ જામે તેવી શકયતા છે. વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે દમણ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છમાં જ્યારે સોમવારે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, સુરત, તાપીમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
Recent Comments