(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના ઉછાળારૂપ કેસો નોંધાઈ રહ્યા હોઈ હવે ફરીથી લોકડાઉન આવશે તે અંગેની આજે દિવસ દરમિયાન રાજ્યભરમાં વહેતા થયેલ અહેવાલોને સરકાર તરફથી નકારી દેવામાં આવ્યા છે. આ અંગેના અહેવાલોને તદ્દન પાયાવિહોણા ગણાવી લોકડાઉનના અમલ અંગે સરકાર તરફથી ઈન્કાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ થવાના અહેવાલોને સરકારે ફગાવ્યા છે. કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે તે જોતા રાજ્યમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફરી એક વખત લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. પરંતુ રાજ્યના મુખ્ય સચિવે આ તમામ અહેવાલો અને સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. મુખ્ય સચિવે જણાવ્યું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવા મુદ્દે સરકાર કોઈ વિચારણા કરી રહી નથી.
રાજ્યના ચીફ સેક્રેટરીએ તમામ કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જે લોકડાઉન મુદ્દે ન હતી પરંતુ આ કોન્ફરન્સમાં રાજ્યમાં રહેલા કોવિડની પરિસ્થિતિ સહિત રાજ્યમાં પડી રહેલા વરસાદ અને ખેડૂતોના પાક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ચીફ સેક્રેટરીએ સુરતમાં વધતા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને ક્લેક્ટરોને આગામી સમયમાં કઈ રીતે કામગીરી કરવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી.