(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨
સુપ્રિમ કોર્ટના એટ્રોસિટી એક્ટ અન્વયેના નિર્ણયને લઈ દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ ‘ભારત બંધ’ના એલાનને પગલે ગુજરાતમાં પણ બંધ પાળવા માટે આજે દલિત સમાજ માર્ગો પર ઉતરી આવ્યો હતો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં બંધની કોઈ અસર નહીં હોવાનું જણાવતા કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં દલિત સમાજ દ્વારા બંધ પાળવા અને તેને સફળ બનાવવા માર્ગો ઉપર ઉતરી આવી તંત્રને દોડતું કરી દીધું હતું ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં બંધની કોઈ અસર ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ દલિત સમાજ દ્વારા હાથ ધરાયેલ દેશવ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપૂર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે એસસી, એસટી એક્ટ અંગેના સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે સુપ્રિમમાં રિવ્યુ પિટીશન પણ દાખલ કરી છે. તેમણે વધુમાં કોંગ્રેસ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી દલિતોને કોરાણે મૂકનારી કોંગ્રેસ મગરના આંસુ સારે છે અને દલિતોના મામલામાં રાજકારણ રમી રહી છે. મુખ્યમંત્રીએ બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સુરક્ષા સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.