વડોદરા નેશનલ હાઈવે પર ટ્રેલરની પાછળ આઈશર ઘૂસી જતાં ૧૧નાં મોત

       

સુરેન્દ્રનગર-લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં ચારનાં મોત

આણંદના કુંજરાવ માર્ગ પર ઝાડ સાથે કાર અથડાતાં બેનાં મોત

બારડોલી દાસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ અથડાતાં ર૦થી વધુને ઈજા

નવસારી નેશનલ હાઈવે પર લકઝરી બસ કન્ટેનર સાથે અથડાતાં ત્રણને ઈજા

વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિએ ટિ્‌વટ કરી દુઃખ વ્યક્ત કર્યું

(સંવાદદાતા દ્વારા)
વડોદરા/સુરેન્દ્રનગર/સુરત, તા.૧૮
રાજ્યમાં આજે બુધવારનો દિવસ કાળમુખો બન્યો હતો અકસ્માતના સર્જાયેલા ગોઝારા બનાવોમાં ૧૭ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૪૧થી વધુને ઈજાઓ પહોંચી હતી. જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. પાંચ અકસ્માતોમાં સૌથી ગંભીર અકસ્માત વડોદરા ને.હા.પર સર્જાયો છે. જેમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ચાર જણાનાં મોત નિપજ્યા છે. આણંદના કુંજરાવ માર્ગ પર ઝાડ સાથે કાર અથડાતા બેનાં મોત નિપજ્યા હતા.
પ્રથમ બનાવની વિગત અનુસાર વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે ૩ વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇશર ટેમ્પામાં ફસાયેલા તમામ ૨૭ લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ૧૧ લોકોનાં મોત નિપજ્યા હતા.
અકસ્માતની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટિ્‌વટ કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જો કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને જીડ્ઢસ્ સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. રાત્રે ૩ વાગ્યાની આસપાસ થયેલ અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રંજન એયરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘટનાસ્થળે ૯ લોકોનાં મોત થયા હતા અને ૨ લોકોના સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતા. આમ, અકસ્માતમાં કુલ ૧૧ લોકોનાં મોત નિપજ્યા હતા, જેમાં ૫ મહિલા, ૪ પુરૂષ અને ૨ બાળક સામેલ છે. રાત્રિના સમયે અકસ્માત થતાં લોકો ટેમ્પામાં ઊંઘી રહ્યા હતા, જેથી કેટલાક લોકોનાં તો ઊંઘમાં જ મોત થયા હતા.
અકસ્માતના બીજા બનાવમાં લખતર રોડ ઉપર કોઠારિયાના પાટિયા નજીક લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતા કુંભાર પ્રજાપતિ પરિવારના એક જ ઘરના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે લખતર રોડ ઉપર કોઠારિયાના પાટિયા નજીક કારચાલકને ઝોંકુ આવી જતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી. જેમાં ૪ વ્યકિતના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. આ અકસ્માતમાં લલીતાબેન બાબુભાઇ લખતરિયા (ઉ.વ.૬પ), નવીનભાઇ બાબુભાઇ લખતરિયા (ઉ.વ. ૪૫), વર્ષાબેન નવીનભાઇ લખતરિયા (ઉ.વ. ૪૩) અને જાનુબેન નવીનભાઇ લખતરિયા (ઉ.વ. ૧૭)ના ઘટના સ્થળે મોત થયા હતા જયારે રવિ નવીન લખતરિયા (ઉ.વ.રર)ને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. આ અકસ્માતમાં કારમાં મૃતદેહ ફસાઇ જતાં કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢીને વઢવાણ-સુરેન્દ્રનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે વધુ તપાસ વઢવાણ-પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમા ચલાવી રહ્યા છે.
આણંદ તાલુકાના ત્રણોલ ગામના ભરત ઉર્ફે રાહુલ રાજેન્દ્ર સોલંકી અને અભિષેક ઉર્ફે ભોલો ગત રાત્રીના સુમારે કાર લઈને ભાલેજ ચોકડી પરથી ચા પીને કાર લઈ ભાલેજથી ત્રણોલ ગામે પરત જઈ રહ્યા હતા. ત્યારે ભાલેજ કુંજરાવ રોડ પર કુંજરાવ ગામની ચોકડી નજીક સવારે સાડા છ વાગ્યાના સુમારે કારચાલક ભરત ઉર્ફે રાહુલે આગળ જતાં કોઈ વાહનની ઓવરટેક કરવા જતાં કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડના થડ સાથે ધડાકાભેર અથડાતા કારનો લોચો વળી ગયો હતો અને કારચાલક ભરત ઉર્ફે રાહુલ (ઉ.વ.૨૧) અને અભિષેક ઉર્ફે ભોલો (ઉ.વ.૧૭)ને ગંભીર ઈજાઓ થતાં તેઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારમાંથી બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ બાદ બંને મૃતદેહોને તેઓના પરિવારજનોને સુપરત કર્યા હતા.
નવસારીમાં નેશનલ હાઈવે નં.૪૮ પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. મધ્યપ્રદેશથી નીકળેલી લક્ઝરી બસમાં મજૂરો સવાર હતા, જેઓ મુંબઈના પાલઘર જવા નીકળ્યા હતા. આ સદનસીબે અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતું અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બસનો ક્લીનર, એક બાળકી અને અન્ય મળીને કુલ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.
સુરત જિલ્લાના બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે છ વાગે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ર૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ૧૦૮ની ૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા છે. સુરતના રહેવાસી દિલાવર ખાન મહારાષ્ટ્રથી દીકરીને લઈ સુરત આવતા હતા. ત્યારે બસનો અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયા હતા.

વડોદરા પાસે સર્જાયેલ અકસ્માતમાં  મોતને ભેટેલ લોકોની યાદી

• દયા બટુકભાઇ જીંજાલા (ઉ.વ.૩પ) (સુરત)
• સચિન અરશીભાઇ બલદાણિયા (સુરત)
• ભૌતિક ખોડાભાઇ જીંજાલા (ઉ.વ.૧પ) (સુરત)
• દક્ષા ઘનશ્યામભાઇ કલસરિયા (ઉ.વ.૩પ) (સુરત)
• સોનલબેન બિજલભાઇ હડિયા (ઉ.વ.૩પ) (સુરત)
• દિનેશ ઘુઘાભાઇ બદલાણિયા (ઉ.વ.૩પ) (સુરત)
• આરતી ખોડાભાઇ જીંજાલા (ઉ.વ.૧૮) (સુરત)
• પ્રિન્સ ઘનશ્યામ કલસરિયા (ઉ.૧૦થી ૧૨ વર્ષ) (સુરત)
• હંસાબેન ખોડાભાઇ જીંજાલા (સુરત)
• ભવ્ય બિજલ હડિયા (ઉ. ૭થી ૮ વર્ષ) (સુરત)
• સુરેશ જેઠા જીંજાલા (ઉ.વ.૩ર) (સુરત)

સયાજી હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી
બેથી ત્રણ ઈજાગ્રસ્તોને મૃત જાહેર કરતા પરિવારમાં રોષ

વડોદરા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતના ઇજાગ્રસ્ત દેવાંશીના કાકાએ જણાવ્યું હતું કે, ૨થી ૩ ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા હતા. મારી ભત્રીજી દેવાંશી પણ જીવિત છે, તેને સામાન્ય ઇજા થઇ છે, તેમ છતાં મૃત જાહેર કરી દેવામાં આવી હતી અને ૪ કલાક સુધી ઈજાગ્રસ્તો સારવારની રાહમાં તરફડતા રહ્યા હતા. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, વડોદરા પાસે રાત્રે ૩ વાગ્યે અકસ્માત થયો અને છેક ૭ વાગ્યે સારવાર શરૂ કરવામાં આવી હતી. આમ, સારવાર આપવામાં ૪ કલાક મોડું કરવામાં આવ્યું હતું.