૮થી ૧૦ જાન્યુઆરી દરમ્યાન દક્ષિણ ગુજરાત સહિત કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની શકયતા !

અમદાવાદ, તા.૭
રાજ્યમાં એક તરફ કાતિલ ઠંડીનો જોરદાર કેર જોવા મળી રહ્યો છે. ઠંડીથી સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી ૪૮ કલાક દરમ્યાન વાદળછાયું વાતાવરણ સર્જાયેલું રહેશે. જ્યારે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આવતી કાલથી એટલે કે તારીખ ૮થી ૧૦ જાન્યુઆરી દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ ૮ જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, દાહોદ સામાન્ય વરસાદ, તો ૯મી તારીખે છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ જેવા દક્ષિણી વિસ્તારોમાં વરસાદી માવઠાની આગાહી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી ૧૦મીએ દાહોદ, ડાંગ ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે. વરસાદી માવઠાની હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવામાં આવી રહ્યો છે.
વરસાદને પગલે શિયાળું પાકને નુકસાન થવાની શક્યતાને જોતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસામાં પણ પાછોતરા વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું હતું. ત્યારે શિયાળામાં પણ માવઠું થવાની શક્યતાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.