અંબાજી- સોમનાથ સહિતના આઠ યાત્રાધામો ખાતે હેલિપેડ-હેલિપોર્ટ બનાવાશે

દેશભરમાં બીજા નંબરનું આધુનિક હેલિપોર્ટ અમદાવાદમાં બનાવવા નિર્ણય

(સંવાદદાતા દ્વારા)           ગાંધીનગર, તા.૮

રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. તેવા વિસ્તારોમાં સંખ્યાબદ્ધ ગામો વિખૂટા પડી ગયા હતા. જેને લઈને હવે સરકાર દ્વારા આવા ગામોમાં નવા કોઝ-વે બનાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રાજ્યમાં આવેલ જુદા-જુદા આઠ યાત્રાધામો ખાતે હેલિપેડ-હેલિપોર્ટ બનાવવાનો પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના વિવિધ આઠ યાત્રાધામ પર હેલિપેડ અથવા હેલિપોર્ટ બનાવવામાં આવશે. જેમાં ૨૪ કલાકમાં ગમે ત્યારે હેલિકોપ્ટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન સરકારે કર્યું છે. અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજીમાં હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ આ વ્યવસ્થા ઉભી કરાશે. માહિતી પ્રમાણે અમદાવાદમાં સમગ્ર ભારતનું બીજા નંબરનું આધુનિક હેલિપોર્ટ બનાવવામાં આવશે. આ તમામ કામોને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ સાથે જ રાજ્યમાં નવા ૨૯૫ કોઝ-વે બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં આ વર્ષે ભારે વરસાદમાં વિખૂટા પડેલા ગામો અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ટોટલ વિખૂટા પડી જાય છે એવા ૨૯૫ ગામોને આઈડેન્ટિફાઈ કરાયા છે. હવે આ ગામોમાં રૂા.૪૭૧ કરોડના ખર્ચે કોઝ-વે બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.