(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૧
સમગ્ર દેશમાં તા.૧લીથી ફેબ્રુઆરીથી આંતરરાજ્ય માલની હેરફેર માટે ઇ-વે બિલ ફરજિયાત કરાયું હોઈ તેનો ગુજરાતમાં પણ કડક અમલ કરાશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે જીએસટીના નિયમોમાં કરાયેલ જોગવાઇ મુજબ કરમુક્ત ચીજ-વસ્તુઓ સિવાયની તમામ ચીજ-વસ્તુઓ કે, જે રૂા.૫૦,૦૦૦/-થી વધારે કિંમતની હોય તે માટે ઇ-વે બિલ મેળવવાનું રહેશે. પરંતુ, શહેર કે ગામની અંદરના વિસ્તારોમાં થતી કોઇપણ માલની હેરફેર માટે ઇ-વે બિલની જરૂરિયાત રહેશે નહીં. જેથી સરકાર દ્વારા કડક ચેકિંગ માટે સ્કવોર્ડ બનાવાઈ છે વેપારીઓને રાહત મળશે. ઇ-વે બિલ જનરેટ થવાથી પારદર્શિતા વધશે અને ટેક્સની ચોરી થતી અટકશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાના ચેકિંગ માટે પ્રાયોગિક ધોરણે વિવિધ સ્થળોએ સ્ક્વોડ દ્વારા ચકાસણી કરવા પણ રાજ્ય સરકારે સઘન વ્યવસ્થા ગોઠવી છે. જે નાના વ્યાપારીઓ પાસે જીએસટી નંબર ન હોય અને માલનું હેરફેર કે વેચાણ કરવા ઇચ્છતા હોય ત્યારે માલ ખરીદનાર વેપારીએ ઇ-વે બિલ જનરેટ કરવાનું રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વેટમાં સમાવેશ થતી પેટ્રોલિયમ પેદાશો જેવી કે, પેટ્રોલિયમ ક્રુડ, હાઈસ્પિડ ડિઝલ, મોટર સ્પીરિટ(પેટ્રોલ), નેચરલ ગેસ, એવીએશન ટર્બાઇન ફ્યુઅલ, આલ્કોહોલિક લીકર (માનવ સેવન માટે) આ તમામ કોમોડિટી માટે વીએટી કાયદા હેઠળ જનરેટ કરવાના રહેશે. રાજ્યમાં આંતરિક માલની હેરફેર કે વેચાણ માટે ૧૯ જેટલી ચીજ-વસ્તુઓ માટે ઇ-વે બિલ જરૂરી છે. તેમાં (૧) તમામ પ્રકારના ખાદ્ય તેલો (ર) તમામ પ્રકારના કરપાત્ર તેલીબિયા (૩) તમામ પ્રકારના ખોળ (૪) લોખંડ અને પોલાદ (૫) ફેરસ નોન ફેરસ મેટલ અને તેના સ્ક્રેપ (૬) સીરામિક ટાઇલ્સ (૭) બ્રાસ પાર્ટસ અને બ્રાસ આઇટમો (૮) પ્રોસેસ થયેલ તમાકુ તથા તેની બનાવટ (૯) સિગારેટ, ગુટકા તથા પાન મસાલા (૧૦) તમામ પ્રકારના યાર્ન (૧૧) તમામ પ્રકારના પ્લાયવુડ, બ્લોક બોર્ડ ડેકોરેટીવ અને લેમિનેટેડ શિટ (૧૨) તમામ સ્વરૂપમાં કોક સહિતનો કોલસો (૧૩) લાકડું (ટીમ્બર) તથા લાકડાની ચીજો (૧૪) સિમેન્ટ (૧૫) મારબલ અને ગ્રેનાઇટ (૧૬) કોટાસ્ટોન (૧૭) નેપ્થા (૧૮) લાઇટ ડીઝલ ઓઇલ (એલડીઓ) (૧૯) ચા (પત્તી અથવા પાવડર સ્વરૂપમાં) જેવી વસ્તુઓ ઉપર ઇ-વે બિલ મેળવવાનું રહેશે. બાકીની કોમોડિટીને તબક્કાવાર આવરી લેવામાં આવશે. માલની આવ-જા વખતે ઈ-વે બિલ સાથે રાખવું જરૂરી છે. તેમાં હાર્ડ કોપી ન હોય અને મોબાઈલમાં જનરેટ થયેલ હોય તો પણ ચાલ છે.