• ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત • અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦થી ૧ર ડિગ્રીની નજીક

અમદાવાદ, તા.ર
રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે કાતિલ ઠંડીનો દોર યથાવત્‌ રહેવા પામ્યો છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ સાથે રાજ્યના અનેક સ્થળોએ જોરદાર ઠંડી જોવા મળી હતી. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેવા પામ્યો હતો. આમ નવા વર્ષના આરંભમાં પણ કાતિલ ઠંડી જોવા મળી હતી. જો કે, ઠંડા પવનોએ ફૂંકાવા પર બ્રેક મારતા દિવસ દરમિયાન ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નલિયામાં ૩.૩ ડિગ્રી તાપમાનથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે હજુ પણ બે દિવસ દરમિયાન માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. શનિવારના રોજ આકાશમાં વાદળો ગોરંભાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદની સંભાવનાને પગલે ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જાણકારી આપવામાં આવી છે. આમ વરસાદની આગાહી વચ્ચે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. જો કે, માવઠું થયા બાદ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં ૩.૩ ડિગ્રી, કેશોમાં ૮.૩, ભૂજમાં ૯.૪, રાજકોટમાં ૯.૭, કંડલા એરપોર્ટમાં ૧૦.૦, ડીસામાં ૧૧.૩, કંડલા પોર્ટમાં ૧૧.૪, પોરબંદરમાં ૧૧.પ, અમરેલીમાં ૧૧.૬, સુરેન્દ્રનગરમાં ૧ર.૩, વલસાડમાં ૧૩.પ, વેરાવળમાં ૧૩.૯, ગાંધીનગરમાં ૧૬.પ અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ વચ્ચે ઠંડીનું જોર જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે.