રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે હાઈકોર્ટમાં રજૂ કરેલ સોગંદનામામાં થયો ખુલાસો
રાજ્ય સરકારે વ્યક્ત કરી લાચારી : કોરોનાની માહિતી સીમિત, સાવચેતીમાં જ સલામતી !

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં કોરોનાની મહામારી દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબૂમાં લેવાના વિવિધ પ્રયાસો વચ્ચે રાજ્યની પ્રજા પાસેથી આઠ મહિનામાં રૂા.૧૧૬ કરોડનો દંડ માત્ર માસ્ક ન પહેરવા બદલ વસૂલી લેવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. કોરોનાને નાથવા નીકળેલી રાજ્ય સરકારે પોતાની પાસે કોરોનાની માહિતી સીમિત હોવાની વિગતો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી છે. હાઈકોર્ટ સમક્ષ કોરોના અંગેની રિટમાં આજે વિભાગ દ્વારા સોગંદનામું રજૂ કરાયું હતું. જેમાં દંડ સહિતના પગલાઓ અંગેની વિગતો રજૂ કરાઈ હતી. અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્ય સરકારે કોરોના સામે લીધેલા પગલાંનું સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, એક વર્ષ જૂના કોરોના વાઈરસને લગતી સીમિત માહિતી ઉપલબ્ધ છે. એટલે સાવચેતીમાં જ સલામતી છે. એ સૂત્રને અપનાવી કામ કરવું પડશે.આ સોગંદનામા મુજબ ગુજરાતીઓએ ૮ મહિનામાં માસ્ક ન પહેરવા બદલ ૨૩ લાખ ૬૪ હજાર ૪૨૦ લોકોએ રૂ.૧૧૬ કરોડ દંડ ભર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એપ્રિલથી માસ્ક પહેરવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો હતો. સોગંદનામામાં જણાવ્યા અનુસાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકારે અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. કોરોનાના સંક્રમણને સામે સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા ૯૦૦ એમબીબીએસ ડોક્ટરોને ગ્રામીણ વિસ્તારમાં ૩ વર્ષ સેવાના હુકમો કરાયા છે. જ્યારે એમબીબીએસના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા ૬૫૯૭ વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગ ની કામગીરી સોંપવામાં આવી હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યું છે. હાઇકોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેરવા બદલ ગત ૧૧ ઑગસ્ટથી રૂપિચા ૧૦૦૦ દંડ લેવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં માસ્ક વિના દંડ રૂપિયા ૫૦૦થી વધારી રૂપિયા ૨૦૦૦ કરવામાં આવ્યો છે. જેનો વિરોધ થઇ રહ્યો છે. મુંબઇમાં દંડ પેટે સવા કરોડથી વધારે વસુલાત થઇ ચુકી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૨,૩૭,૨૪૭ કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨,૨૧,૬૦૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને ૪૨૪૮નાં મોત થયા છે. રાજ્યમાં રિક્વરી રેટ ૯૦ ટકાથી વધારે છે.