(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
રાજ્યની ખાનગી શાળા-કોલેજોમાં સંચાલકો દ્વારા બેફામ રીતે ફી વસૂલવાના અને તે માટે પરીક્ષામાંથી બાકાત રાખવા, શાળામાંથી કાઢી મૂકવા જેવી વિવિધ પ્રકારની ધમકીઓ આપી વિદ્યાર્થીઓ વાલીઓને માનસિક ટોર્ચર કરવાના બનાવો બની રહ્યા હોઈ વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હોવાનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ઉઠાવાયો હતો. જેમાં બંને પક્ષો દ્વારા આક્ષેપાત્મક ઉગ્ર રજૂઆતો સાથે પસ્તાળ પાડવામાં આવી હતી. સરકારની અનિર્ણયાત્મકતાને કારણે આ સ્થિતિ ઊભી થતા વાલીઓમાં રોષ હોવાની કોંગ્રેસમાં રજૂઆત સામે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આમાં રાજ્ય સરકારનો કોઈ નિર્ણય નથી. બધુ સુપ્રીમ કોર્ટના આદેશો અન્વયે છે અને સરકાર આખરી ચુકાદાની રાહ જોઈ રહી છે. વિધાનસભાના બનેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળ વખતે શિક્ષણ ક્ષેત્રના અગત્યના આ પ્રશ્ન વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અમદાવાદની ઘાટલોડિયાની શાળામાં ફી ભરવા બાબતે શાળા તરફથી વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત રાખવાની અને એલ.સી. (લિવીંગ સર્ટીફીકેટ) આપી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો અને આવા સંચાલકો દ્વારા વિવિધ ધમકીઓ આપવાના બનાવો રાજ્યમાં બની રહ્યા હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી આવી સ્થિતિને કારણે વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાઈ રહ્યાનું જણાવ્યું હતું. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે ઘાટલોડિયાના બનાવ અંગેની તમામ કેળવણી નિરીક્ષકને સોંપવામાં આવી છે. તપાસમાં આક્ષેપો સાબિત થશે તો શાળા ઉપર દંડથી લઈને માન્યતા રદ કરવા સહિતના કડક પગલા લેવામાં આવશે. શાળા-કોલેજો દ્વારા હાલમાં બેફામ ફી વસૂલવામાં આવી રહી છે અને તેમાં સરકાર દ્વારા પણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાલમાં જે ફી સંસ્થાઓ વસૂલે તે ભરી દેવાની અને તેનું રિફંડ આપી આદેશ બાદ જરૂરથી અપાશે તેવી વાતો કરાય છે. ત્યારે આ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આજે રાજ્યમાં મુઠ્ઠીભર શિક્ષણ માફિયાઓ મનફાવે તે રીતે વર્તી રહ્યા છે. સરકાર આવા માફિયાઓ સામે પગલા ભરવામાં વામણી પુરવાર થઈ રહી છે. વાલીઓને શા માટે આપણે રક્ષણ પુરૂં પાડી શકતા નથી ? મોંઘીદાટ ફી વસુલતા શિક્ષણ માફિયાઓ ઉપર સકંજો કસી સરકારે નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ અત્યારે ફી વસુલ કરવામાં આવે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના હુકમ પછી જે કાંઈ સુધારો કે વધારો થાય એ મુજબ જ પાલન કરાવવું જોઈએ. વધુ ફી વસુલતી મર્યાદિત અને મુઠ્ઠીભર શાળાઓ છે તેની સામે શા માટે સરકાર ઝૂકી રહી છે ? તેવો પ્રશ્ન ધાનાણીએ કર્યો હતો. દરમ્યાન આ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ફી નિયમન મુદ્દે વાલીઓ વતી વિદ્યાર્થીઓના જાહેર હિતમાં કાનૂની લડત લડે છે. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશનું પાલન કરવા બંધાયેલી છે અને વચગાળાના આદેશ મુજબ જ આગળ વધી રહી છે. આ આદેશ મુજબ શાળાઓ કામચલાઉ ધોરણે ફીનું માળખુ જાહેર કરી શકશે. પરંતુ કામચલાઉ ફી કરતા વધુ ફી વસુલ કરી શકશે નહી. આ વચગાળાના આદેશનું પાલન કરવા સૌ કોઈ બંધાયેલ છે. આ નિર્ણય રાજ્ય સરકારનો નથી. નિયત થયેલ ફી કરતા કોઈ શાળાએ વધારે ફી લીધી હશે તો આવી શાળાઓએ વાલીઓને વધારાની ફી સરભર કરી દેવાની રહેશે. સુપ્રીમનો આખરી આદેશ ન આવે ત્યાં સુધી સૌએ ધિરજ દાખવી રાહ જોવાની અપીલ મંત્રીએ કરી હતી.