નવા કેસોમાં સામાન્ય ઘટાડો પણ મોતનો આંકડો ચિંતાજનક

અમદાવાદમાં ૯, સુરતમાં ૩, અમરેલીમાં ૧ અને રાજકોટમાં ૧ દર્દીને કોરોના ભરખી ગયો • રાજ્યમાં ૧૪૪૯૩ એક્ટિવ કેસ પૈકી ૮૧ દર્દી વેન્ટીલેટર ઉપર

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૭
રાજયમાં કાળમુખો કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. જેના લીધે વધુ ૧૪ જિંદગીઓ કોરોના સામેની લડાઈ હારી ગઈ છે. જયારે છેલ્લા ર૪ કલાકમાં ૧૩૮૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તેમજ વધુ ૧પ૬૮ દર્દીઓ સાજા થયા છે. જો કે દિવાળી બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો. જેમાં રોજ સરેરાશ ૧પ૦૦થી વધુ કેસ નોંધાતા હતા. ત્યારે હવે નવા કેસનો આંકડો ૧પ૦૦ની નીચે આવતા થોડે ઘણે અંશે રાહત મળી છે. પરંતુ હજુ કાળમુખા કોરોનાનો ખતરો ટળ્યો નથી. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. એટલે અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યા છે. છતાં રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત ૧૫૦૦થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે ઘટાડો થયો છે અને ૧૪૦૦થી પણ ઓછા કેસ નોંધાયા છે.
ગુજરાત માં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૩૮૦ પોઝિટિવ કેસ આવ્યા છે ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૨૦,૧૬૮એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૪ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૦૯૫એ પહોંચ્યો છે. જ્યારે ૧૫૬૮ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને ૯૧.૫૬ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૮,૮૬૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ર૮૯, સુરત કોર્પોરેશન ૧૯૧, વડોદરા કોર્પોરેશન ૧૩૫, રાજકોટ કોર્પોરેશન ૮૯, પાટણ ૫૮, મહેસાણા ૫૪, ગાંધીનગર ૪૪, વડોદરા ૪૨, બનાસકાંઠા ૩૯, રાજકોટ ૩૯, સુરત ૩૧, જામનગર કોર્પોરેશન ૩૦, સુરેન્દ્રનગર ૨૯, ગાંધીનગર કોર્પોરેશન ૨૭, કચ્છ ૨૬, મોરબી ૨૨, ભાવનગર કોર્પોરેશન ૨૧, ખેડા ૨૦, સાબરકાંઠા ૧૯, પંચમહાલ ૧૮, અમદાવાદ ૧૭, અમરેલી ૧૪, ભરૂચ ૧૨, ભાવનગર ૧૧, જુનાગઢ કોર્પોરેશન ૧૧, નર્મદા ૧૧, ગીર સોમનાથ ૧૦, દાહોદ ૯, મહીસાગર ૯, આણાંદ ૮, જુનાગઢ ૮, અરવલ્લી ૭, જામનગર ૭, છોટા ઉદેપુર ૫, ડાંગ ૫, દેવભૂમિ દ્વારકા ૪, પોરબાંદર ૪, નવસારી ૨, બોટાદ ૧, તાપી ૧, વલસાડ ૧ કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે છેલ્લા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૯ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ૩, અમરેલી ૧, રાજકોટ કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૦૯૫એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૦૧,૫૮૦ નાગરીકો સાજા થઈ ગયા છે.લ્‌ જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૪,૪૯૩ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૪૧૨ સ્ટેબલ છે.