• અનેક સ્થળોએ પારો ૧૦ ડિગ્રી કરતાં ઓછો

• બે દિવસ બાદ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા

• ઠંડીની અસર : બજારોમાં પણ જોવા મળ્યા ઓછા લોકો : લોકો ઘરમાં પૂરાઈ રહ્યા

અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર બીજા દિવસે પણ યથાવત્‌ રહ્યું છે. અનેક સ્થળોનું તાપમાન ૧૦ ડિગ્રી કરતાં ઓછું રહ્યું છે, તો અન્ય કેટલાક સ્થળોનું તાપમાન ૧૦ ડિગ્રીની નજીક રહેવા પામ્યું છે. ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડા પવનો ફૂંકાતા લોકોને ઠંડીએ બાનમાં લીધા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ૩૧ ડિસેમ્બર બાદ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
રાજ્યભરમાં શિયાળો બરોબરનો જામી ગયો છે. સર્વત્ર કોલ્ડ સ્ટોરેજ જેવો જ માહોલ છવાઈ ગયો છે. સર્વત્ર હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ઠંડીથી બચવા ફાંફાં મારી રહ્યા છે. ખાસ કરીને ફૂટપાથ પર રહેનારા અને ઘરવિહોણા લોકોની સ્થિતિ કફોડી બની છે. ગઈકાલ સરખામણીમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. જો કે, ઠંડીમાં કોઈ ખાસ રાહત મળી ન હતી. દિવસ ફૂંકાઈ રહેલા કાતિલ ઠંડી પવનોથી લોકો ધ્રુજી ઊઠ્યા હતા. જ્યારે હજુ પણ એક દિવસ કોલ્ડવેવની અસર જોવા મળશે ત્યારબાદ ઠંડીમાં આંશિક રાહત મળે તેવી શક્યતા છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો ડીસા અને કેશોદમાં સૌથી ઓછું ૭.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે ગાંધીનગરમાં ૮.૦, નલિયા અને કંડલા એરપોર્ટમાં ૯.૧, રાજકોટમાં ૯.ર, સુરેન્દ્રનગરમાં ૯.૩ અને વડોદરામાં ૧૦.૦, અમરેલીમાં ૧૦.ર તેમજ વીવીનગર અને મહુવામાં ૧૦.૩ તો અમદાવાદમાં ૧૦.૭ અને વેરાવળમાં લઘુતમ તાપમાન ૧૦.૯ ડિગ્રી નોંધાયું હતું, આમ ઓછા લઘુતમ તાપમાન વચ્ચે સતત ત્રીજા દિવસે રાજ્યવાસીઓ કાતિલ ઠંડીથી ધ્રુજી ઊઠ્યા હતા. રાજ્યમાં શિયાળો જામી ગયો છે ત્યારે ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે અને તાપણા કરી ઠંડીથી બચવાનો પ્રયાસ કરે છે તો કાતિલ ઠંડીના કારણે દિવસ દરમિયાન પણ અનેક સ્થળોએ બજારોમાં ઓછી ભીડ જોવા મળી હતી. જ્યારે વહેલી સવારે અને સમી સાંજે રોડ-રસ્તા સૂમસામ ભાસતા હતા. ઠંડીથી બચવા લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું અને ઘરમાં પૂરાઈ રહ્યા હતા. જ્યારે હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળશે જેને પગલે લોકોને વિશેષ તકેદારી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે.

વર્ષ ર૦ર૧ના પ્રારંભે જ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી
રાજ્યમાં હાલ શિયાળો બરોબરનો જામી ગયો છે. કાતિલ ઠંડી પોતાનું જોર બતાવી રહી છે. ડિેસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભર શિયાળે માવઠું થયું હતું જેના પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ત્યારબાદ ફરી એકવાર નવા વર્ષના આરંભે જ રાજ્યમાં માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રો પોસથી મળતી માહિતી મુજબ આગમી ર અને ૩ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ માવઠું થવાની શક્યતા છે જેના કારણે ખેડૂૈતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ છે. અગાઉ પણ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે શાકભાજીને પણ નુકસાન થયું હતું. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હાલ બટાકા, ચણા, તમાકુ જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. માવઠા બાદ ઠંડીનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, આમ લોકોએ લાંબા સમય સુધી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.