(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૬
કોરોના કયા પ્રકારનો રોગ છે અને એનો ઈલાજ શું તે હજી સુધી વિશ્વ નક્કી કરી શકયું નથી. તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે, વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને લોકો સાજા પણ થઈ રહ્યા છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં હાલ કોરોનાના કેસો છેલ્લા ર૪ કલાકમાં ૧૪૧૭ નોંધાયા છે તેની સામે ૧૪૧૯ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જયારે અમદાવાદમાં ૩ સહિત કુલ ૧૩ લોકો કોરોના સામે જંગ હાર્યા છે. રાજયમાં આજદિન સુધી કોરોનાના ૧૩૧૮૦૮ દર્દીઓ નોંધાયા છે તે પૈકી ૧૧૧૯૦૯ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૩૪૦૯ લોકો મોતને ભેટી ચૂકયા છેછ. એટલે કે હાલ રાજયની વિવિધ હોસ્પિટલોમાં ૧૬૪૯૦ દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં ૮ર દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આજરોજ રાજયમાં જે ૧૪૧૭ દર્દીઓ કોરોનાના નોંધાયા છે તેમાં સુરતે પ્રથમક્રમ જાળવી રાખ્યો છે સુરત શહેરમાં ૧૮૦ કેસ નોંધાયા છે. જયારે તેની સામે ૧૮પ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જયારે અમદાવાદ શહેરમાં ૧૭પ કેસ નોંધાયા છે પરંતુ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ઓછી એટલે કે ૧પ૬ છે. જયારે સુરત જિલ્લામાં ૧૧૭ કેસ ૧૧૦ ડિસ્ચાર્જ રાજકોટ શહેરમાં ૧૧૦ કેસ, ૧૦૭ ડિસ્ચાર્જ, વડોદરા શહેરમાં ૯પ કેસ, ૯૪ ડિસ્ચાર્જ, જામનગર શહેરમાં ૮૯ કેસ, ૮૦ ડિસ્ચાર્જ, રાજકોટ જિલ્લામાં પ૮ કેસ અને લગભગ ત્રણ ગણા ૧૬૧ ડિસ્ચાર્જ, મહેસાણામાં ૪૮ કેસ અને ૩૬ ડિસ્ચાર્જ નોંધાયા છે. જયારે સૌથી ઓછા કેસ જોઈએ તો ડાંગ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. તેની સામે ૧પ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એ જ રીતે બોટાદમાં ૩ કેસ અને ૧૦ ડિસ્ચાર્જ, વલસાડમાં ૪ કેસ અને ૧૦ ડિસ્ચાર્જ, પોરબંદરમાં પ કેસ, છોટાઉદેપુરમાં પ કેસ ૩ ડિસ્ચાર્જ, અરવલ્લીમાં પ કેસ અને દેવભૂમિ દ્વારકામાં ૬ કેસ સામે એકપણ ડિસ્ચાર્જ કરાયો નથી. આમ સમગ્ર રીતે જોઈએ તો રાજયમાં નવા નોંધાતા કેસોની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા લગભગ સરખી થઈ જાય છે. રાજય સરકારના દાવા મુજબ કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટયું છે. આજે રાજયમાં ૬૧૮૬પ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જયારે આજદિન સુધી કુલ ૪૧૭ર૦પ૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ કેસો ૧૩૧૮૦૮ની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ૧૧૧૯૦૯ થઈ ગઈ છે. એટલે કે સાજા થવાનો દર ૮૪.૯૦ ટકા છે. રાજયમાં આજ નોંધાયેલા મોત જોઈએ તો અમદાવાદ શહેરમાં ૩, રાજકોટ અને સુરત શહેરમાં ર-ર, તથા ભાવનગર શહેર, ગીરસોમનાથ, પાટણ, સુરત જિલ્લા, વડોદરા જિલ્લા અને વડોદરા શહેરમાં ૧-૧ મળી કુલ ૧૩ મોત નોંધાયા છે.
Recent Comments