અમદાવાદ, તા.૧૧
રાજ્યમાં ફાગણ મહિનામાં જ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે. જેણે ખેડૂતોની ચિંતા વધારી છે જ્યારે ૧ર માર્ચે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા રાજ્યમાં અનેક સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક જગ્યાએ વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સર્જાઈ હોવાના કારણે હવામાન વિભાગે ૧૧ અને ૧૨મી માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેના ભાગરૂપે બુધવારે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રેલમછેલ થઈ ગઈ હતી, બીજી બાજુ રવિપાકોને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સિવાય અરવલ્લીના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના માલપુર, મેઘરજ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વાતાવરણ જોતા કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગની વરસાદની શક્યતાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમીરગઢ સહિતના પંથકમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે વરસાદની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયેલો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં કમસોમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા ૧૧ અને ૧૨ માર્ચ એમ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં માવઠાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ગુજરાતના જામનગર અને લાલપુર વિસ્તારમાં ખેડૂતો સૌથી વધુ ચણા અને જીરાના પાકની ખેતી કરે છે.