અમદાવાદ, તા.૧૪
જમ્મુ-કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને પગલે ગુજરાતના વાતાવરણમાં પણ ફરી એકવાર પલટો આવ્યો છે. રાજ્યમાં ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાદળછાયા વાતાવરણને પરિણામે રવિપાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા એકાદ મહિનાથી અવાર-નવાર વાતાવરણમાં પલટો જોવા મળે છે જેને કારણે શિયાળામાં ઉનાળો અને ચોમાસાનો અનુભવ થયો છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક ફરી એકવાર પલટો આવ્યો છે, છેલ્લા ર૪ કલાકથી રાજ્યમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. અંદાજે ૧૩ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે તેમજ આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ રહે છે. આજે વહેલી સવારે તીવ્ર પવન સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું હતું જેના કારણે વહેલી સવારે વાહન ચાલકોને મુશ્કેલીઓ સામનો કરવો પડયો હતો. ધુમ્મસના કારણે કેટલીક જગ્યાએ અકસ્માત સર્જાયો હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન આગામી એકથી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડા પવનોનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૩ દિવસથી સતત બરફવર્ષા થઈ રહી છે જેના કારણે આ ઠંડા પવનોનું જોર વધ્યું છે. દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય છે જેના કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડે છે તેમજ સતત વાદળછાયા વાતાવરણના કારણે રવિપાક, જીરૂ, ઈસબગુલ, ઘઉં, રાયડો, રાજગરો, ધાણા સહિતના રવિપાક પર પણ જોખમ ઊભું થયું છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટ્યું હતું.