ગાંધીનગર, તા.૧૨
સરપ્લસ વીજળી, સસ્તી વીજળી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નિયમિત વીજળી આપવાની ગુજરાત સરકારની વાત પોકળ સાબિત થઈ છે તેમજ વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારા સામે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે ત્યારે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે ૧,૦૨,૬૫૦ મી.યુ. વીજળીની વધારાની ખરીદી કરી છે. રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં કર્યા હતા. ગુજરાત વિધાનસભામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ અને ખાણ વિભાગની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય પરમારે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૧-૦રથી ર૦૧૬-૧૭ સુધી ૧૬ વર્ષમાં રાજ્યના વીજ કોર્પોરેશનની ઉત્પાદન ક્ષમતામાં ૧૪૮૪ મે.વો.નો વધારો થયો છે. રાજ્યના વીજ કોર્પોરેશનમાં નવ વર્ષમાં ૧૨૩૧ મે.વો. વીજ ક્ષમતાના વધારા સામે ૧૨,૯૮૭ મી.યુ. વીજળીનું ઉત્પાદન ઓછું થયું છે. આમ, વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારા સામે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ૧૬ વર્ષમાં વીજ વપરાશમાં ઘરગથ્થુ ક્ષેત્રે ૯,૯૬૧ મી.યુ., ખેતક્ષેત્રે ૧૮૩૨ મી.યુ. અને ઔદ્યોગિક ક્ષેત્રે ૨૯,૦૨૫ મી.યુ.નો વધારો થયો છે. વર્ષ ર૦૧૧-૧રથી ર૦૧૬-૧૭માં ૬ વર્ષમાં ઘરગથ્થુ, વાણિજ્યિક, દિવાબત્તી ખેતી, વોટર વર્કર, રેલવે અને અન્ય માટે ૨,૩૩,૭૦૭ મી.યુ. વીજ વપરાશની જરૂરિયાત સામે રાજ્યના વીજ કોર્પોરેશન તથા રાજ્યના આઈપીપીએસ વીજ મથકોમાં ૧,૬૦,૫૭૨ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં વીજ વપરાશ માટે ફક્ત ૭૩,૧૩૫ મી.યુ. વીજળી રાજ્ય સરકારને ખરીદવી પડે તેની સામે રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ૧,૭૫,૭૮૫ મી.યુ. વીજળીની ખરીદી કરી હતી. આમ, રાજ્ય સરકારે ૧,૦૨,૬૫૦ મી.યુ. વીજળીનો વધારાની ખરીદી કરી છે. આ વધારાની વીજળી ઔદ્યોગિક ક્ષેત્રો માટે ખાનગી વીજ ક્ષેત્રો પાસેથી રૂા.૪૭,૩૦૫.૫૭ કરોડના ખર્ચે ખરીદવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વર્ષોથી વીજળીમાં સરપ્લસ હોવાની વાત કરે છે. પરંતુ વર્ષ ર૦૧૭-૧૮ના ભારત સરકારના સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી લોડ જનરેશન બેલેન્સના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૪.૧ ટકા વીજળી સરપ્લસ સાથે ગુજરાત દેશમાં ૧૪માં ક્રમે છે જ્યારે ગુજરાત સરકાર પ્રજાને સસ્તી વીજળી આપતા હોવાની ગુલબાંગો વચ્ચે દેશમાં ગુજરાત કરતા પોંડીચેરી, આંધ્રપ્રદેશ, ગોવા, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ઓરિસ્સા, ઉત્તરાખંડ, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં સસ્તી વીજળી મળે છે. એટલે સસ્તી વીજળી આપવામાં ગુજરાત દેશમાં ૧પ ક્રમે છે. તેવી જ રીતે ખેડૂતોને ખેતી માટે પૂરતી વીજળી આપવાના મામલે ગુજરાતમાં ખેડૂતોને માત્ર ૮ કલાક વીજળી આપવામાં આવે છે જ્યારે દેશના અન્ય ૧પ જેટલા રાજ્યોમાં ખેડૂતોને ર૪ કલાકથી લઈ ૯ કલાક સુધી વીજળી આપવામાં આવે છે. આમ, ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં દેશના ગુજરાત ૧૬મા ક્રમે છે.