(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
રાજ્યમાં તમાકુનું વેચાણ ૧૮ વર્ષની ઉપરના લોકો કરી શકે તેમજ શાળાની આસપાસ તમાકુનું વેચાણ કરવું કાયદા મુજબ ખોટું છે તેમ છતાં રાજ્યમાં નાના બાળકો તમાકુ વેચતા હોવાનું અને શાળાની આસપાસ તમાકુ વેચાતુું હોવાનું છડેચોક દેખાય છે. પરંતુ તંત્ર જાણે પાંગળું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે તમાકુ નિયંત્રણ ટાસ્કફોર્સ દ્વારા બે વર્ષમાં માત્ર ૧૯ર૬ દરોડા પાડવામાં આવ્યા છે. એનો મતલબ તંત્રને જ આ મામલે કામગીરી કરવામાં રસ નથી અથવા તો કાયદાની મર્યાદા તોડીને પણ તમાકુનું વેચાણ થાય, જાહેરમાં ધુમ્રપાન થાય તો પણ તંત્રને કૂંભકર્ણની નિંદ્રા માણવામાં રસ છે. ત્યારે ખરા અર્થમાં તંત્ર શું કરવા માંગે છે તે તો તંત્ર જ જાણે, પરંતુ તમાકુના કાયદાનો કડક અમલ કરાય તો નાના બાળકો આ તમાકુના રવાડે ના ચઢે તે સમાજ માટે ખૂબ જરૂરી છે. ગુજરાત વિધાનસભામાં ડિસેમ્બર ર૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં તમાકુ નિયંત્રણ ટાસ્કફોર્સ દ્વારા કેટલા દરોડા પાડવામાં આવ્યા અને કેટલો દંડ ફટકારવામાં આવ્યો તેવો પ્રશ્ન પુછાયો હતો. જેમાં આરોગ્ય વિભાગ સંભાળવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખિતમાં જણાવ્યું છે કે, રાજ્યના ર૭ જિલ્લામાં ૧૯ર૬ દરોડા પાડ્યા હતા. જેમાં કસૂરવારો સામે રૂા.ર૮,૭૩,૩રરનો દંડ વસૂલાયો હતો. દરોડા દરમિયાન COTPA એક્ટની કલમ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો બને છે. તેવું બોર્ડ ઘણી જગ્યાએ લગાડેલું ન હતું. ઉપરાંત ૧૮ વર્ષની નીચેના બાળકો તમાકુનું વેચાણ અને ખરીદ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ હોવા છતાં લોકો ધુમ્રપાન કરતા જોવા મળ્યા હતા. COTPA એક્ટ મુજબ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ કરી શકાય નહીં તેમ છતાં તમાકુનું વેચાણ કરતા કેટલાક વેપારીઓ જોવા મળ્યા હતા. ઉપરાંત ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી વગર તમાકુની બનાવટો જોવા મળી હતી. આમ COTPA કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે તમાકુ નિયંત્રણ ટાસ્કફોર્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં ૧૦૯૦ દરોડા પાડીને રૂા.૪૮,૦૫૫ના દંડની વસૂલાત કરાઈ છે. સુરતમાં ર૬ દરોડા પાડી રૂા.૧૦,૬૩,૭૯૦નો દંડ, નવસારીમાં પ૪ દરોડા પાડી રૂા.૪,૧૪,૫૯૦ દંડ, રાજકોટમાં ર૧ દરોડા પાડી રૂા.૩,૧૧,૩૯૫ દંડ, વડોદરામાં ૮ર દરોડા પાડીને રૂા.૨,૨૦,૫૯૦ દંડ, મહેસાણામાં ૧૯ દરોડા પાડીને રૂા.૧,૫૪,૩૧ર દંડની વસૂલાત કરાઈ છે. આમ રાજ્યના ર૭ જિલ્લામાં ૧૯ર૬ દરોડા પાડીને રૂા.૨૮,૭૩,૩૨૨ના દંડની વસૂલાત કરાઈ છે. એમ વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.