જાન્યુઆરીથી શાળા-કોલેજો શરૂ થવા અને માસ પ્રમોશનની વહેતી વાતો અંગે સરકારની સ્પષ્ટતા !
કોરોના મહામારીની સ્થિતિને લઈ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે : શિક્ષણમંત્રી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૧
કોરોના મહામારી વચ્ચે શાળાઓ શરૂ થવાની ફરી એકવાર ચર્ચાઓ શરૂ થવા સાથે માસ પ્રમોશનની પણ વાતો-અટકળો વાયરલ થવા માંડતા રાજ્ય સરકાર તરફથી આ તમામ અહેવાલોને ફગાવી દેવામાં આવ્યા છે અને જાન્યુઆરીથી ફરી શાળા ખોલવા અને માસ પ્રમોશન માટે હાલમાં કોઈ ઈરાદો ન હોવાની સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલની સ્થિતિમાં જાન્યુઆરી મહિનાથી સ્કૂલ-કોલેજો ખોલવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. એટલું જ નહીં, ગત વર્ષની માફક ધો.૧૦ અને ૧૨ સિવાયના વર્ગોમાં માસ પ્રમોશનનો પણ હાલ સરકારે કોઈ નિર્ણય નથી લીધો તેવું પણ તેમણે કહ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, સ્થિતિને અનુરૂપ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, હાલ તેની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આજે દિવસ દરમિયાન કેટલીક વિવિધ મીડિયા પર એવા અહેવાલ પ્રસારિત થયા હતા કે ગુજરાત સરકાર જાન્યુઆરી મહિનાથી સ્કૂલો અને કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ સ્કૂલો અને કોલેજો ધમધમતી કરી દેવાશે તેવા દાવા પણ આ અહેવાલોમાં કરાયા હતા. સરકારે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવી તેમને ફગાવી દીધા છે. આ ઉપરાંત, હાલ આવી કોઈ વાત વિચારણા હેઠળ પણ નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે.
દિવાળી વેકેશન બાદ સ્કૂલો અને કોલેજો નિયંત્રણો સાથે શરૂ કરવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી હતી. પરંતુ કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં સરકારને પોતાનો નિર્ણય પડતો મૂકવાની ફરજ પડી હતી. હાલ સરકાર કોઈ રિસ્ક લેવા માંગતી ન હોવાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં તાજેતરના દિવસોમાં જોવાયેલા ઘટાડા બાદ પણ સ્કૂલો અને કોલેજો શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ, હવે શૈક્ષણિક સત્રને માંડ ત્રણેક મહિના બાકી રહ્યા છે અને તેમાંય સ્કૂલો ક્યારે ચાલુ થશે તેના કશાય ઠેકાણા ના હોવાના કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટતા નથી કરી. સ્કૂલો ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે, પરંતુ તેની ક્વોલિટી તેમજ પહોંચને લગતા પણ ગંભીર સવાલો ઊભા જ છે. તેવામાં માત્ર ઓનલાઈન એજ્યુકેશનના આધારે વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવી કે કેમ તે અંગે શિક્ષણવિદોમાં પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. નોંધનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં પણ સરકારે માસ પ્રમોશનની જાહેરાત છેલ્લી ઘડીએ જ કરી હતી.
ખાસ કરીને જેમના બાળકોને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છે તે વિદ્યાર્થીઓના માતા-પિતા હાલ ચિંતામાં છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે અને ડિસેમ્બર સુધીમાં તો અભ્યાસક્રમ પૂરો કરી જાન્યુઆરીથી તેનું રિવિઝન પણ શરૂ કરી દેવાતું હોય છે. આ વર્ષે ધો.૧૦ અને ૧૨ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની જાહેરાત તો સરકારે કરી જ દીધી છે, પરંતુ તેની સાથે પરીક્ષા પણ મે મહિનામાં લેવાય તેવી શક્યતા પ્રવર્તી રહી છે. જો કે, પરીક્ષાની તારીખ અંગે હજુ સુધી સરકારે કોઈ ચોખવટ નથી કરી.