કોરોનાની મહામારીને લઈ લાંબા સમયથી બંધ શાળા-કોલેજો ફરીવાર શરૂ કરવાની રાજ્ય સરકારની કવાયત
તા.૧૧મી જાન્યુઆરીથી ધો.૧૦-૧ર તથા ગ્રેજ્યુએટ-પો. ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય થશે શરૂ
શાળાઓમાં જેટલું શિક્ષણકાર્ય થશે તેની જ પરીક્ષા લેવાશે : શિક્ષણમંત્રી
શાળામાં હાજરી ફરજિયાત નથી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળા-કોલેજો લાંબા સમયથી બંધ છે અને વચ્ચે ફરી શાળા-કોલેજો શરૂ થવાની સરકારે જાહેરાત કર્યા બાદ કોરોનાના કેસોમાં વધારો થતાં આખરે નિર્ણય મોકૂફ રાખવો પડ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર સરકાર શાળા-કોલેજો શરૂ કરવા જઈ રહી છે. જો કે, આ વખતે સરકાર દ્વારા ધો.૧૦-૧ર અને ગ્રેજ્યુએશન-પો. ગ્રેજ્યુએશન કરતા છેલ્લા વર્ષનું જ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. જ્યારે માસ પ્રમોશનની બાબતને સરકારે એકદમ જ નકારી કાઢી છે.
રાજય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વર્ગો ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના કલાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્ત પત્ર આપવો પડશે. ધોરણ૧૦-૧૨ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના માતા-પિતાની સંમતિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવા ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.
આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સાથે પોસ્ટ ગ્રેજયુએટ, અંડર ગ્રેજયુએટનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય ગુજરાત રાજયના તમામ બોર્ડ, સ્વનિર્ભર, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. તો સાથે જ ધોરણ ૩ થી ૯ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. આ અંગે કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે વિચાર કર્યો. એસઓપી તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે.
જોકે, વિદ્યાર્થીઓને સ્કૂલ આવવાનું મરજિયાત કરાયું છે. સરકારના આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજ ખૂલશે.
માસ પ્રમોશન અંગે શિક્ષણમંત્રીએ કહ્યું કે, જેટલુ ભણાવીશું તેની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. ગુજરાતમાં બોગસ ડિગ્રી અંગે તેમણે ઉમેર્યું કે, કયાંય આ પ્રકારનું કામ ચાલતુ નથી. દરેક યુનિવર્સિટીમાં તપાસ કરી છે. તપાસ ચાલુ છે. જો કોઈ કસૂરવાર હશે તો સખતમાં સખત પગલા લેવાશે.
Recent Comments