શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન
• તબક્કાવાર ખુલી શકે છે શાળા-કોલેજો   • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે હાઈ પાવર કમિટીની બેઠક

અમદાવાદ,તા.ર૪
રાજયમાં કોરોના કાળમાં છેક લોકડાઉનથી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ અને કેસો વધતા ર૩ નવેમ્બરે શાળા-કોલેજો શરૂ કરવા અંગેનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તબક્કાવાર સ્કૂલ-કોલેજ ખુલી શકે છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળશે. ત્યાર બાદ શાળા-કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડાક દિવસો અગાઉ કહ્યું હતું કે ગુજરાતમાં હાલ શાળાઓ શરૂ કરવા અંગે કોઈ વિચારણા નહીં યોગ્ય સમયે નિર્ણય લેવાશે જો કે આ નિવેદન બાદ તેમણે આજે ફરી એક નિવેદન આપ્યું હતું. જે ગુજરાત રાજયમાં તબક્કાવાર શાળા-કોલેજો ખુલી શકે છે. રાજયમાં અગાઉ ધોરણ ૯થી ૧રના વર્ગો ર૩ નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં રાજયમાં દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ્સ અને કોલેજોમાં ઓડ-ઈવન પધ્ધતિથી શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલને સંમતિ પત્ર આપવો પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલુ છું. શિક્ષણમંત્રીના આ નિવેદનને કારણે રાજય સરકારની આ નીતિ જોતા કોરોના કાળમાં સરકાર કે સ્કૂલ સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે. ત્યારે હવે શાળાઓ ખુલશે કે નહીં તે અંગે સામાન્ય નાગરિકથી માંડીને શિક્ષણ મંત્રી સૌ કોઈ અવઢવમાં છે. વાલીઓ સરકારને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા માટે માગ કરી રહ્યા છે. તેવામાં હવે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ પણ શાળાઓ ખોલવા અંગેના નિવેદનો વારંવાર બદલી રહ્યા છે. આજરોજ શાળાઓ ખોલવા બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે હાઈ પાવર કમિટીના નિર્ણય બાદ શાળાઓ ખુલશે. કયારે શાળા ખોલવી તે બાબતે શિક્ષણ મંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે તેવું નિવેદન આપ્યું હતું.