જો ઓક્ટોબરમાં સ્કૂલો શરૂ થશે તો ૩૦ ટકા અને નવેમ્બરમાં થાય તો ૪૦ ટકા કોર્ષ ઘટાડાશે

અમદાવાદ,તા.ર૪
વૈશ્વિક મહામારી કોરોનાનો કેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે કોરોના અને લોકડાઉનને પરિણામે રાજ્યની સ્કૂલો માર્ચ મહિનાથી બંધ છે. જેના કારણે ૧.પ૦ કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો અભ્યાસક્રમ કેટલો રાખવો તેની મથામણ શરૂ કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓની બેઠકમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે ત્રણ અલગ-અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમાંના એક વિકલ્પ જો સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમ આયોજન એ મુજબ કરવું પડે આનાથી વર્ષ ર૦ર૦-ર૧ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ર૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવો પડશે જ્યારે ત્રીજા વિકલ્પ મુજબ જો નવેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં ૪૦ ટકાનો ઘટાડો કરવો પડશે. વળી જો ગુજરાતમાં સ્કૂલો ૧૪ નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે. ટૂંકમાં શાળાઓ સપ્ટેમ્બરમાં શરૂ થાય તો ર૦ ટકા, ઓક્ટોબરમાં શરૂ થાય તો ૩૦ ટકા અને નવેમ્બરમાં શરૂ થાય તો ૪૦ ટકા કોર્ષ ઘટાડવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષની તૈયારીઓ અંગે ખાસ સમિતિ બનાવાઈ છે. જેના ભાગરૂપે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આવતા વર્ષે પરીક્ષાઓ લેવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે હજુપણ ચર્ચા વિચારણા કરી અહેવાલ તૈયાર કરવામાં આવશે.