(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
રાજયમાં સમાજના તમામ વર્ગોનો સમતોલ વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજયની વર્તમાન સરકાર વિકાસને વરેલી સરકાર છે. ગુજરાતનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે એમ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે જહાંગીરપુરા-વરિયાવ-નવીપારડી ગામને જોડતા રૂા. ૧૫૮ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રિજ અને એપ્રોચ રસ્તો તથા કામરેજ તાલુકાના વલથાણ ગામે રૂા. ૨.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સર્કિટ હાઉસના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત રાજયમાં ચાલી રહેલી વણથંભી વિકાસયાત્રાનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર પ્રજાલક્ષી, ખેડૂતલક્ષી અને ગરીબલક્ષી પ્રજાઉત્થાનના કામો કરી રહી છે એમ કહી તેમણે પ્રજાને વિકાસ જોઇએ છે અને અમે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં આગળ વધીએ છીએ એમ જણાવ્યું હતું.
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકામાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકામો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, માત્ર ઓલપાડ તાલુકામાં જ રૂા. ૧૬૦૦ થી ૨૦૦૦ કરોડના કામો કરવામાં આવ્યા છે.
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ તાલુકામાં રૂા. ૭૫૦ કરોડના માર્ગ અને પુલોના કામો કરવામાં આવ્યા છે એમ જણાવી રૂા. ૩૬ લાખના ખર્ચે મોટા વરાછાથી ઉમરાને જોડતો પહોળો કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. ઉપરાંત તેમણે સાયણથી મોટા વરાછા રોડને પહોળો કરવાની દરખાસ્ત પણ સરકારમાં કરી દેવામાં આવી હોવાનું જણાવી રાજય સરકાર દ્વારા તાલુકાના ગામોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ વિગતે છણાવટ કરી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા અધિક્ષક ઇજનેર પી.એમ ચૌધરી જહાંગીરપુરા-વરિયાવ-નવીપારડીનો આ રેલ્વે ઓવરબ્રીજ બનવાથી ૧૬.૭૫ કિલોમીટરનું અંતર ઓછું થશે એમ જણાવી જિલ્લામાં સાત રેલ્વે ઓવરબ્રિજ મંજુર થયા હોવાનું જણાવ્યું હતું.