અમદાવાદ, તા.૨૦
રાજ્યમાં કાળમુખા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ઉનાળો પણ જાણે પોતાનું એડી ચોટીનું જોર લગાવતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. જેમાં બુધવારના રોજ તો ગરમીએ આખા રાજ્યમાં જોરદાર પ્રકોપ બતાવતો ૭થી વધુ સ્થળોએ પારો ૪૩ ડિગ્રીને પાર નીકળી ગયો હતો, જ્યારે ડીસા, સુરેન્દ્રનગરમાં ૪૪.૪ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયુું હતું. સરકાર દ્વારા લોકડાઉન ૪મા ઘણી છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે જાણે કે ઉનાળો લોકડાઉનને સમર્થન કરતો હોય તેમ છૂટછાટ સામે આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી શરૂ થઈ ગઈ છે. વળી હીટવેવની આગાહી પણ સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછી ગરમી જોવા મળી રહી છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પારો ૪પ ડિગ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ તાપમાનની તો ૪૪.૪ ડિગ્રી જેટલા ઊંચા તાપમાન વચ્ચે ડીસા અને સુરેન્દ્રનગરવાસીઓ ભઠ્ઠીમાં બરોબરના શેકાયા હતા, જ્યારે ભૂજમાં પણ ૪૪.ર ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયું હતું.