(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૫
રાજ્યમાં સિવિલ જજની ભરતી માટેની જાહેરાતમાં ૧૦% EWS (આર્થિક અનામત)ના ક્વોટાનો અમલ કરવાનો તંત્રને આદેશ કરવાની દાદ માગતી રિટ પિટિશન હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ એન.વી. અંજારિયાએ આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર (રિક્રુટમેન્ટ), રાજ્ય સરકારના સામાજિક ન્યાય વિભાગ અને જીપીએસસીને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ૧૦મી જાન્યુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે.
આ મામલે અગાઉ હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેને પરત ખેંચી લેવામાં આવી હતી. કેમ કે તે પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે એવો મત વ્યક્ત કર્યો હતો કે આ સર્વિસ મેટરને સંલગ્ન બાબત હોવાથી તેને જાહેરહિતની અરજી તરીકે એન્ટરટેઇન કરી શકાય નહીં.’ તેથી અરજદાર તરફથી આ જાહેરહિતની અરજીને સિવિલ એપ્લિકેશન તરીકે નવેસરથી કરવાની છૂટ સાથે પરત ખેંચી લીધી હતી. જેથી હાઇકોર્ટની ખંડપીઠે રિટનો નિકાલ કર્યો હતો.
હવે અરજદાર દિલીપકુમાર સાવુકિયા તરફથી એડવોકેટ વિશાલ દવે અને એડવોકેટ નિપુન સિંઘવીએ આ જ મામલે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી છે. જેમાં એવી માગ કરી હતી કે, ‘સરકારને આદેશ કરવામાં આવે કે સિવિલ જજની ભરતી માટે આર્થિક રીતે પછાત વર્ગ માટેના ૧૦% અનામતનો ક્વોટા લાગુ કરવામાં આવે. આ ભરતી માટે ૨૬-૮-૧૯ના રોજ સરકાર દ્વારા જે જાહેરાત બહાર પાડવામાં આવી છે, એમાં બંધારણીય જોગવાઇઓનો ભંગ હોવાથી તેને રદબાતલ કરવાનો આદેશ કરવામાં આવે. તે ઉપરાંત સિવિલ જજની ભરતી માટેની જાહેરાતોમાં આર્થિક અનામત મુજબ ૧૦% ક્વોટાનો અમલ કરવાનો તંત્રને આદેશ કરવામાં આવે.’
આ રિટમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા કે, ‘૨૬-૮-૧૯ના રોજ સિવિલ જજની ભરતી માટેની જાહેરાતને આ પિટિશન મારફતે પડકારવામાં આવી છે. આ જાહેરાતમાં સરકારે બંધારણની જોગવાઇઓનો ભંગ કર્યો છે અને તેમાં ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઇ રાખી નથી. પરિણામે આર્થિક રીતે પછાત વર્ગમાં આવતી વ્યક્તિને સિવિલ જજની ભરતીમાં અન્યાય થશે અને તે બાબત બંધારણના સમાનતાના અધિકારનો ભંગ છે. આ સમગ્ર મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિતના જવાબદારોને રજૂઆત પણ કરવામાં આવી હતી. અલબત્ત, કોઇ યોગ્ય નિર્ણય ન લેવાતા અંતે હાઇકોર્ટમાં અરજી કરવી પડી છે.