(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.પ
કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં વધારો થાય તથા મત્સ્ય ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ મત્સ્યોદ્યોગ ખાતા હસ્તકના મટવાડ બ્રેકીશ વોટર ફીશ ફાર્મના પ હેક્ટર વિસ્તારમાં ક્રેબ, મીલ્ક ફીશ, સીબાસ પ્રજાતિના મત્સ્ય બીજ ઉછેર તથા સંશોધનની કામગીરી હાથ ધરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
આજે ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકારની આઈસીએઆર સંસ્થાના સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બ્રેકીશ વોટર એક્વાકલ્ચર, ચેન્નાઇ (સીઆઈબીએ) ના ડાયરેક્ટર કે.કે. વિજયને રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ કમિશનર મોહમ્મદ શાહીદ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા.
ફળદુએ ઉમેર્યું કે, ભારત સરકારની સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકીશ વોટર એકવાકલ્ચર, ચેન્નાઇ (સીઆઈબીએ) દ્વારા દક્ષિણ ભારતમાં ફીનફીશ અને સેલફીશના રિસર્ચ અને ઉછેરની કામગીરી કરવામાં આવે છે. અને તેઓ દ્વારા શ્રીમ્પ ફાર્મીગ પદ્ધતિ દેશમાં દાખલ કરી સફળતા મેળવ્યા બાદ હાલમાં એશિયન સીબાસ, મિલ્ક ફીશ અને ક્રેબનાં કલ્ચરની સફળતા મળી છે. તેમજ શ્રીમ્પ કલ્ચર ૫દ્ધતિમાં નવી ટેકનોલોજી તેમજ ઉછેર દરમિયાન કોઇ રોગ લાગુ પડે તો તેના નિવારણની કામગીરી પણ સીબા દ્વારા હાથ ધરવામાં આવે છે. આ એમ.ઓ.યુ. દ્વારા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકીશ વોટર એકવાકલ્ચર, ચેન્નાઇ દ્વારા ગુજરાતમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી પ્રજાતિઓ જેવી કે, સીબાસ, મીલ્ક ફીશ, સીલ્વર પોમ્પેનો, કોબિયા અને ક્રેબ પ્રજાતિના મત્સ્ય બીજનો ઉછેર કરવામાં આવશે. તેમજ બ્રેકીશ વોટરમાં ઝીંગા ઉપરાંત ફીનફીશનો ઉછેર અને વેલ્યુ એડેડ ફીશરીઝ પ્રોડકટ માટે ખેડૂતો, સ્ટાફને તાલીમ, વિસ્તરણ અને ટેકનીકલ સહયોગ પૂરો પાડવામાં આવશે.