(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
ગત તા.૧મી એપ્રિલથી સમગ્ર દેશમાં ઇ-વે બિલનો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે દેશમાં જ્યાં જીએસટીનો સૌથી વધુ વિરોધ થયો હતો તેવા સુરત શહેરમાં ઈ-વે બિલના અમલ બાદ સૌથી વધુ બિલો જનરેટ થયા છે. રાજ્યમાં ત્રણ દિવસમાં ૪૭ હજારથી પણ વધુ બિલો જનરેટ ઠઈ ગયા છે.શરૂઆતમાં ટેકનિકલ કારણસર વેપારીઓને બિલ જનરેટ કરવામાં મુશ્કેલી અનુભવવી પડતી હતી, પરંતુ હવે સરળતાથી બિલ જનરેટ કરી શકાતા હોવાથી વેપારીઓને હવે રાહત થઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઇ-વે બિલ અમલમાં આવ્યા બાદ ૪૭ હજારથી વધુ બિલ જનરેટ થયાં છે. જેમાં જ્યાં સોથી વધુ વિરોધ થયો હતો તેવા સુરતમાં સૌથી વધુ બિલો જનરેટ થયા છે. એટલું જ નહીં સુરતમાં જીએસટી રિર્ટનનો આંકડો પણ વધી રહ્યો છે.ગઇ કાલે સાંજ સુધીમાં એક અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ ઇ-વે બિલ જનરેટ કરાયાં હતા. ઉલ્લેખનીય છે કે એનઆઈસીની બિલ જનરેટ કરવાની ક્ષમતા દૈનિક ૭૫ લાખની છે.
અત્યાર સુધી દેશમાં માત્ર ૧૧ લાખ કારોબારીઓએ જ ઇ-વે બિલ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેના કારણે જીએસટી કાઉન્સીલની ચિંતા વધી છે. કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીમાં અગાઉ ઇ-વે બિલના અમલ અંગે નિર્ણય લેવાયો હતો, પરંતુ બિલ ઈશ્યૂ થવામાં મુશ્કેલીના કારણે ફરજિયાત અમલવારીનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ સ્વૈચ્છિક રીતે રાજ્યમાં રોજના ઇ-વે બિલ ઈશ્યૂ થતાં હતાં. હવે જ્યારે અમલવારી ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે રોજના ૪૭ હજાર કરતાં પણ વધુ બિલ જનરેટ થઇ રહ્યાં છે. આ અંગે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર પી.ડી. વાઘેલાના જણાવ્યા પ્રમાણે ઇ-વે બિલના અમલ પૂર્વે પણ રાજ્યમાં સ્વૈચ્છિક રીતે ૪૦થી ૪૫ હજાર બિલ ઈશ્યૂ થતાં હતાં. અમલવારી બાદ તેમાં વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. રોજના ૪૭ હજારથી પણ વધુ બિલ જનરેટ થઈ રહ્યાં છે.
રાજ્યમાં સૌથી વધુ ઈ-બિલ સુરતમાં જનરેટ થયા : વેપારીઓને રાહત

Recent Comments