(રશીદ પઠાણ)
ગાંધીનગર,તા.પ
પાટણમાં દલિત શખ્સના આત્મવિલોપનના બનાવે સમગ્ર રાજયમાં હાહાકાર મચાવી દેવાની સાથે રાજય સરકારને દોડતી કરી દીધી છે. તો બીજી તરફ રાજયમાં પોતાની માગણીઓ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે છેલ્લા હથિયાર રૂપે હવે આત્મવિલોપન સહિત જીવનની બાજી લગાવી દેવાના પ્રયાસો કરવાની સાથે તે અંગેની ચીમકીઓ આપવાનો ટ્રેન્ડ શરૂ થઈ જવા પામ્યો છે. પાટણના બનાવ બાદથી હમણા સુધીમાં આ જ પ્રકારે આત્મવિલોપન તથા ઝેરી પદાર્થ ગટગટાવાના પ્રયાસો તેમજ તેની ચીમકીઓ આપવાની ઘટનાઓ પ્રકરણમાં આવી રહી છે. એટલું જ નહીં રાજયમાં આ પ્રકારની આત્મવિલોપન કે જાન આપી દેવાની ચીમકીઓ આપતી અરજીઓમાં આશરે ર૦ ગણો વધારો થઈ જવા પામતાં સરકારની ઊઘ હરામ થઈ ગઈ છે અને બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે. રાજયના ચીફ સેક્રેટરીએ ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હવેથી આ પ્રકારે જીવનનો અંત આણી દેવાની ચીમકી આપતી અરજી મળે કે તરત જ અરજકર્તાની ધરપકડ કરી લેવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સરકારને ડરાવનાર-ધમકાવનાર અરજકર્તાઓને સરકાર દ્વારા ડરાવવામાં આવશે.
પાટણના દલિત શખ્સના આત્મવિલોપનના બનાવ બાદથી રાજયમાં ઊભી થયેલી સ્થિતિને લઈ સરકારમાં દોડધામ વધી જવા પામી છે. રાજયમાં જે પ્રકારે પોતાના પ્રશ્નો-માગણીઓના નિરાકરણ માટે જાનની બાજી લગાવી દેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તેનાથી તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે. આત્મવિલોપનના બનાવ બાદથી રાજયમાં આ પ્રકારે પોતાના પ્રશ્નો માટે આત્મવિલોપન કરી દેવાની ચીમકી આપતી અરજીઓનો મોટી સંખ્યામાં ભરાવો થવા લાગતાં રાજયના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંહે તાકીદની એક ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી હતી. રાજયના સચિવોની ઉચ્ચકક્ષાની આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિવ્યુ લેવામાં આવ્યો હતો. રાજયમાં તાલુકા જિલ્લા તથા રાજય કક્ષાએ આવી અરજીઓનો ધસારો વધતો જોતાં બેઠકમાં તે અંગે ખાસ ચિંતા કરવામાં આવી હતી.
બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, હવેથી આવી કોઈપણ જાતની આત્મવિલોપન કે જીવનનો અંત આણવા અંગેની ચીમકીની અરજી મળે કે તરત જ અરજી કરનારની ધરપકડ કરી લેવાની રહેશે. તે બાદ તે અરજકર્તાને પાકા જામીન લઈને જ મુકત કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો. આ અંગેની સૂચના રાજયના તમામ વિભાગો, કલેકટરો, જિલ્લા પોલીસ વડાઓને પાઠવી દેવામાં આવી છે. આ સાથે એમ પણ જણાવાયું હતું કે અરજીઓમાં તથ્ય હોય તો તેમના પ્રશ્નનો તાત્કાલિક એકશન લઈ નિકાલ કરી દેવાનો રહેશે.
સુરતના કલેકટરે તો આત્મવિલોપનના બનાવ અને તે અંગેની અરજીઓને લઈને તાત્કાલિક ‘સીટ’ની રચના કરી દીધી હતી. રાજયમાં આ પ્રકારની પ્રથમ આત્મવિલોપન ‘સીટ’માં ૧૦થી ૧ર જેટલા અધિકારીઓ સામેલ કરાયા છે જે આ સંદર્ભની અરજીઓની કામગીરી કરશે. સચિવોની બેઠકમાં સુરતના આ પગલાની સરાહના કરી તેનું અનુકરણ કરવાની શીખ પણ અપાઈ હતી. ટૂંકમાં પાટણના બનાવને અત્યંત ગંભીરતાથી લઈને સરકાર આત્મવિલોપન મામલે રિ-એકશન મોડમાં આવી ગઈ છે અને હવે આવી ચીમકી અપાનારા સામે એકશન લેવાના મુડમાં છે.
રાજ્યમાં હવે આત્મવિલોપનની ચીમકી આપતાં વિચારજો, જેલમાં જવું પડશે !

Recent Comments