(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ અનલોક-રની ગાઈડલાઈનને લઈ ગુજરાત સરકારે હવે રાજયમાં રાત્રિની લાંબા રૂટની એક્ષપ્રેસ બસોનું પરિવહન શરૂ કરવાની લીલીઝંડી આપી છે જો કે, રાત્રિના કરફયુના અમલ સાથે બસની મુસાફરી રાત્રે ૯-૦૦ વાગ્યે પહેલાં શરૂ થઈ જાય તેમજ અન્ય નિયમોના અમલ સાથે આયોજન કરવાનું રહેશે. રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-૧૯ની પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમિયાન કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ થઈ રહ્યો છે. ત્યારે આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે જેમાં રાત્રીના ૯.૦૦ થી ૫.૦૦ દરમિયાન કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન થઈ શકશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયુ છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આયોજિત ટ્રીપોનું સંચાલન સવારના ૭.૦૦ થી શરૂ કરી રાત્રિના ૨૦.૦૦ (રાત્રે ૮.૦૦ વાગ્યા) સુધી પૂર્ણ થાય તે રીતે કરવાનું રહેશે. રાત્રીના મુસાફરી કરવાના સંજોગો ઊભા થાય ત્યારે તે મુસાફરી રાત્રિના ૯.૦૦ કલાક પહેલાં શરૂ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. આ સમયગાળા દરમિયાન કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બસ ઓપરેટરે જીપીએસ/જીપીઆરએસ સિસ્ટમ લગાવી આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ગૃહ સચિવના પત્રથી સ્પષ્ટતા કરાઈ છે કે રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમિયાન વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો હેતુ લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે છે. આ પ્રતિબંધ ગુડ્‌ઝ ટ્રકો/વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં.