ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ-૨.૦ને લોન્ચ કરતા મુખ્યમંત્રી
• ઓનલાઈન બાંધકામ પ્લાન પાસ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : મુખ્યમંત્રી રૂપાણી • હવેથી લો-રાઈઝ બિલ્ડીંગ માટે ઓફલાઈન પ્લાન પાસિંગ બંધ !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩
ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન (બાંધકામ માટેની પરવાનગી) સિસ્ટમ વિકસાવી ઓનલાઈન પ્લાન પાસ કરનાર દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હોવાનો દાવો આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ર.૦ને લોન્ચ કરતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં હવેથી લો-રાઈઝ (નાના-મધ્યમ બાંધકામો) બિલ્ડીંગ માટે ઓફલાઈન પ્લાન પાસ કરવાનું સંપૂર્ણ બંધ થઈ જશે અને માત્ર ઓનલાઈન સિસ્ટમ જ કાર્યરત રહેશે.
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ઓનલાઈન વ્યવસ્થા વિકસાવી ક્યાંક કોઈને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓનલાઈન કામ થઈ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકો ઈમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. તેઓ માત્ર વ્યવસ્થા ઈચ્છે છે. સરકાર પણ આવી ઓનલાઈન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઈઝ ઓફ લિવિંગ વધારી રહી છે. હવે આ નવી ઓડીપીએસ-ર.૦ કાર્યરત થતાં લો-રાઈઝ્‌ડ બિલ્ડીંગ માટે ઓફલાઈન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઈ જશે. આ ઓડીપીએસ પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઈરાઈઝ્‌ડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, જે ૧ ટકા લોકો ખોટું કરનારા છે. તેમની સામે પગલાં લેવા સરકાર સંકલ્પબદ્ધ છે. સાથે જ ૯૯ ટકા ખોટી રીતે તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્ધતા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ નવી વ્યવસ્થા વિકસાવવામાં જીડીસીઆરમાં સુધારા કરી કોમન જીડીસીઆર કર્યો છે. એટલું જ નહીં એફએસઆઈ, હાઈટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફ્ટી જેવી ૧પ જેટલી વાઈટલ મહત્ત્વની બાબતો પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે ર૪ કલાકમાં જ રજાચીઠ્ઠી સાથે પ્લાન પાસ થઈ જાય તે સુનિશ્ચિત કર્યું છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિને ખેવના હોય કે તેનું પોતીકું ઘર બને પરંતુ આવા ઘર-મકાનના પ્લાન પાસ કરાવવામાં તેના પગના તળિયા ઘસાઈ જતા આપણે એવી સરળ અને પારદર્શી પ્રક્રિયા ઓડીપીએસથી શરૂ કરી છે કે, પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે ને ર૪ કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ ના થાય તેવું ઈચ્છનારાઓ સામે પોલિટિકલ વિલ અને પ્રજાહિતની પ્રતિબદ્ધતા સાથે મક્કમતાથી આગળ વધી આ સરકારે ઓડીપીએસની શરૂઆત કરી છે.