• સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવથી લોકો ઠૂંઠવાયા • અનેક સ્થળોએ પારો ૧૦ ડિગ્રીની નજીક • ડિસેમ્બરના અંતમાં રહેશે કાતિલ ઠંડીનો મારો

અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો દોર જામવા જઈ રહ્યો છે. શિયાળો પોતાનો અસલ મિજાજ બતાવતો હોય તેમ છેલ્લા એકાદ સપ્તાહથી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીથી લોકો ઠૂઠંવાઈ ગયા છે. ઠંડીને કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. મોડી રાત્રે અને વહેલી સવારે ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જ્યારે ડિસેમ્બરના અંતમાં જોરદાર ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. નલિયામાં ર.પ ડિગ્રી તાપમાન નોંધાતા નલિયા ઠંડુગાર બની ગયું હતું. જ્યારે અનેક સ્થળોએ પારો ૯થી ૧૧ ડિગ્રીની નજીક પહોંચતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી હતી જ્યારે આગામી બે દિવસ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળે તેવી શક્યતા છે.
રાજ્યમાં શિયાળો બરાબરનો પોતાનો મિજાજ બતાવી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીની અસર અનુભવાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાતા દિવસ દરમ્યાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન ર.પ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગિરનાર પર્વત પર પ.૩ ડિગ્રી તો કંડલા એરપોર્ટમાં ૯.૦, ડીસામાં ૯.૬, રાજકોટમાં ૯.૮, અમરેલીમાં ૧૦.ર, ભૂજમાં ૧૦.ર, કેશોદમાં ૧૦.૪, ગાંધીનગરમાં ૧૧.ર, સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટમાં ૧ર.પ, આણંદમાં ૧ર.૮, વલસાડમાં ૧૩.૦, અમદાવાદમાં ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. હાલ રાજ્યમાં કોરોના મહામારીનો કેર યથાવત છે ત્યારે કોરોનાના સંક્રમણને જોતા કાતિલ ઠંડીના આ માહોલમાં વિશેષ તકેદારી રાખવાનું જાણકારો અને તબીબો જણાવી રહ્યા છે.