અમદાવાદ, તા.૧
રાજ્યમાં ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ ફરી એકવાર મેઘો મંદો પડ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ જે સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે જેને પગલે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શકયતા નથી. જો કે ગુજરાતમાં ચોમાસાની વિદાયને હજુ પણ એક મહિનો બાકી છે. એટલે આ દિવસોમાં જો નવી સિસ્ટમ બનશે તો ફરીથી વરસાદ પડવાની શકયતા બની શકે છે. જો હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં કોઈ ખાસ વરસાદ પડવાની શકયતા નથી. જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક ધોવાયો છે. એટલું જ નહીં ખેતરોમાં સતત પાણી ભરાયેલ રહેવાથી પાકને પણ નુકસાન થયું છે. રાજ્યમાં અનેક મોટા જળાશયો, નદીઓ અને તળાવો છલોછલ થઈ ગયા છે ત્યારે ખેડૂતો પણ હવે બસની પોકાર લગાવી રહ્યા છે. રાજ્યમાં ગત મહિને જોરદાર વરસાદી માહોલ જામતા રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો ૧ર૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. તો ઊભો પાક ધોવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જો કે વરસાદની સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. ભારે વરસાદના કારણે ખેતરમાં રહેલા મગફળી કપાસ અને કઠોળ સહિત પાકને ૭૦ ટકા જેટલું નુકસાન થઈ ગયું છે. જેના કારણે ખેડૂતો માટે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાય તેવી ભીંતિ છે. તલ, બાજરી, સોયાબીન અને મગફળીના પાકોનું વધુ વાવેતર થયું હતું. ભારે વરસાદને કારણે આ ચાર પાકને પણ નુકસાન થયું છે. વળી રાજ્ય સરકાર દ્વારા નવી કૃષિ નીતિની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ વીમો મળી શકે તેમ નથી. કારણ કે રાજ્ય સરકારે એક સાથે ૪૮ કલાકમાં રપ ઈંચ વરસાદ પડ્યો હોય તો જ ખેડૂતોને સહાય મળશે તેવી જાહેરાત કરી છે. ખેડૂતોના કહ્યા મુજબ અનેક વિસ્તારોમાં ૭૦ ટકા પાક નષ્ટ થઈ ગયો છે. જેથી તેઓને લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાશે તેવી ભીંતિ છે. આમ ચોમાસુ પાકની આશા રહી નથી. તેઓને માત્ર શિયાળામાં આધાર રાખવો પડશે આમ ૧ર૦ ટકા જેટલો સરેરાશ વરસાદ થતા ખેડૂતો પર લીલા દુકાળનું સંકટ ઊભું થયું છે.