અમદાવાદ, તા.૧૯
રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન વિભાગની આગાહી પર આકરો ઉનાળો ખરો ઉતર્યો છે ત્યારે મંગળવારના રોજ રાજ્યમાં અનેક ઠેકાણે કાળઝાળ ગરમી જોવા મળી હતી. હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં ૧૦ જેટલા સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો. એક તરફ કોરોનાનો કહેર અને લોકડાઉન જ્યારે બીજી તરફ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ઊઠ્યા છે. જ્યારે આગામી બે દિવસ પણ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ તાપમાનની તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન ૪ર.૮ ડિગ્રી ગાંધીનગર ખાતે નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં ૪ર.૭, ભૂજમાં ૪ર.૪, અમદાવાદમાં ૪ર.૩, ડીસા અને અમરેલીમાં ૪ર.ર ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૪૧.૯, કંડલામાં ૪૧.૭, જ્યારે વડોદરા અને આણંદમાં મહત્તમ તાપમાન ૪૧.ર ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હીટવેવની સ્થિતિમાં પાણી ખૂબ પીવાની અને વિશેષ તકેદારી રાખવાની જરૂરિયાત પર તબીબો અને જાણકારોએ ખૂબ ભાર મૂક્યો છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ગાંધીનગર ૪ર.૮
સુરેન્દ્રનગર ૪ર.૭
ભૂજ ૪ર.૪
અમદાવાદ ૪ર.૩
ડીસા ૪ર.ર
અમરેલી ૪ર.ર
રાજકોટ ૪૧.૯
કંડલા ૪૧.૭
વડોદરા ૪૧.ર
આણંદ ૪૧.ર