(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પૂરૂં પાડી દરેક જીવને અભિદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ- હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધનથી અગ્રેસર થવું છે. મુખ્યમંત્રીએ ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પ્રમાણે પ્રારંભિક તબક્કે ૧૦૮ મોબાઈલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવતાં કહ્યું કે, ૧૦૮ના આંકને શુભ માનવામાં આવે છે આજે ૧૦૮ હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં કાર્યરત કરી છે. સમગ્રતા રાજ્યમાં આવા ૪૬૦ જેટલા મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કરીને ૪૬૦૦થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ સુવિધા આવનારા દિવસોમાં મળતી થવાની છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં માનવ આરોગ્યની ત્વરિત તાત્કાલિક અને સુગમ સારવાર માટે જેમ ૧૦૮ની સેવાઓ હાલ કાર્યરત છે, તેવી જ રીતે પશુપાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં બેઠા પશુસારવાર પશુપાલકોને મળી રહે તે માટે આ ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના પણ પશુ સારવાર સેવા માટે અતિમહત્ત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વખતના બજેટમાં જે ખેડૂત પ્રાકૃતિક ખેતી ગાયોના છાણથી ખેતી કરશે એટલે કે ઓગ્રેનિકથી એક કદમ આગળ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થશે તેને ગાય દીઠ દર મહિને ૯૦૦ રૂપિયા રાજ્ય સરકાર સબસીડી આપવાની છે. પ્રાકૃતિક ખેતી એ માનવીના તંદુરસ્તી માટે પણ અતિ ઉપયોગી છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.