અમદાવાદ,તા.૧ર
રાજયમાં હાલ કઈ ઋતું ચાલી રહી છે તેની ખબર જ નથી પડતી કયારેક ગરમી તો કયારેક એકદમ ઠંડી પડી રહી છે વળી છેલ્લા દસ દિવસથી અનેકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે બેથી ત્રણ દિવસ કમોસમી વરસાદે ચોમાસા જેવા માહોલ ઉભો કર્યો છે. ત્યારે આ તમામ વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. એક આગાહી પ્રમાણે માર્ચ મહિનાના અંત સુધી મહત્તમ તાપમાનમાં સતત વધારો થવાની શકયતા છે. આમ માર્ચના છેલ્લા સપ્તાહમાં રાજયમાં સત્તાવાર રીતે ગરમી શરૂ થઈ જશે. જયારે ૧૭થી ર૩ માર્ચ સુધીમાં ફરી એકદમ કમોસમી વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.
રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી સવારે શિયાળા જેવી ઠંડક અનુભવાય છે. જયારે બેવાર કમોસમી વરસાદ થયો છે જયારે ઉનાળો હોવા છતાં ગરમી જોવા મળી હતી. ત્યારે ગુજરાતીઓ પણ વિચારી રહ્યા છે કે હવે ગરમી કયારે શરૂ થશે. એક આગાહી પ્રમાણે માર્ચના અંતમાં ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, પશ્ચિમ તરફથી આવતા પવનના કારણે અરબી સમુદ્ર પરથી ભેજ પણ ખેંચાઈ રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. રાજસ્થાન પર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. વાદળછાયા વાતાવરણ સાથે થતો કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. બીજી બાજુ વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે છેલ્લા ૧૦ વર્ષના માર્ચ મહિનામાં જે તાપમાન નોંધાયું છે તેમાં સૌથી નીચું તાપમાન ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નોંધાયું છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૭થી ર૩ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તે સાથે રાજયનું વાતાવરણ ફરીથી પલટાઈ શકે છે. છેલ્લા ૧૦ વર્ષમાં અમદવાદા શહેરમાં માર્ચ મહિનામાં ૩૯થી ૪૩ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે.પરંતુ ચાલુ વર્ષે ઉનાળામાં શરૂઆત બાદ પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૩ર.૩ ડિગ્રી નોંધાયું છે જે છેલ્લા ૧૦ વર્ષના લઘુત્તમ તાપમાનમાં સૌથી નીચુ છે. હવામાન વિભાગે આ મહિનાના અંત સુધીમાં તાપમાન વધે તેવી સંભાવના વ્યકત કરી છે.