અમદાવાદ, તા.૨૪
રાજ્યમાં હાલ શિયાળો જામી ગયો છે અને ઠંડી પોતાનું જોર બતાવી રહી છે. ત્યારે ૨૯ ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે અનેક સ્થળોેએ લઘુતમ તાપમાન ૧થી ૨ ડિગ્રીનો વધારો થયો હતો. જેને પગલે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. જો કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાથી જેની અસર ગુજરાતમાં જોવા મળશે. વળી ૨૭થી ૨૮ ડિસેમ્બરમાં હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. જેના પરિણામે ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધીમાં રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દૌર જોવા મળશે. જો કે હાલ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું રહ્યું હતું. જો કે, વહેલી સવારે અને સમી સાંજે ઠંડીનો ચમકારો યથાવત્‌ રહ્યો હતો. હાલની શિયાળાની સિઝનને પરિણામે લોકો પૌષ્ટિક આહાર તરફ વળ્યા છે. ખાસ કરીને વસાણા, અડદિયા, આદુપાક, કચરિયું સહિતના પૌષ્ટિક આહાર તરફ લોકોનો ધસારો છે. ત્યારે કોરોનાકાળમાં કાતિલ ઠંડી ખૂબ જ સાવચેતી રાખવાનું જાણકારો અને તબીબો જણાવી રહ્યાં છે. વાત કરીએ તો લઘુતમ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું ૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૯.૮, અમરેલી અને કેશોદમાં ૧૦.૬, ડીસામાં ૧૧.૨, કંડલા એરપોર્ટમાં ૧૧.૫, અમદાવાદમાં ૧૧.૮, મહુવામાં ૧૨.૧, પોરબંદરમાં ૧૨.૨, ભૂજમાં ૧૨.૪, રાજકોટમાં ૧૨.૫ અને વડોદરામાં લઘુતમ તાપમાન ૧૩.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી ૨૯ ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તેવી શક્યતા છે.