અમદાવાદ, તા.ર૦
રાજ્યમાં આજ તા.ર૦ એપ્રિલ સોમવારથી મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો ભારત સરકારના દિશા-નિર્દેશોને આધિન રહીને શરૂ કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને પગલે આજે રાજ્યમાં અંદાજે ૪૦૦૦ ઉદ્યોગો કાર્યરત થયાની માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં ૭૦૦, રાજકોટ જિલ્લામાં ૬૦૦, સુરત જિલ્લામાં ૧પ૦, કચ્છ જિલ્લામાં ૭પ૦, વડોદરા જિલ્લામાં ર૦૦ અને મોરબીમાં ૪૦૦ તેમજ ભરૂચ જિલ્લામાં ૪પ૦ ઉદ્યોગો કાર્યરત થયા છે. તેમણે જણાવ્યું કે, આ ઉદ્યોગ એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ શ્રમિકો-કર્મચારીઓની આરોગ્યરક્ષા માટેના પૂરતા પ્રબંધો ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ કરવાની સૂચનાઓનું પાલન આવશ્યક છે. પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં અંત્યોદય ૬૬ લાખ ગરીબ પરિવારો જે NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેમના બેંક ખાતામાં આર્થિક આધારરૂપે ૧ હજાર રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે તેવી મુખ્યમંત્રીની જાહેરાતની ફલશ્રુતિએ આજે તા.ર૦ એપ્રિલથી આવા પૈસા-સહાય જમા કરાવવાનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીના સચિવે આ અંગે કહ્યું કે, બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આવા લાભાર્થીઓના બેંક ખાતામાં DBTથી સહાય જમા કરાવવાના ભાગરૂપે ૬.પ૦ લાખ રૂપિયા જમા કરાવાયા છે. તેમણે લોકડાઉનના સત્તાવીસમાં દિવસે રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધીની માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં સોમવારે ૪૬.૬૦ લાખ લીટર દૂધનું વિતરણ તેમજ ૯પ,૧૭ર ક્વીન્ટલ શાકભાજીનો આવરો થયો છે. આ શાકભાજીમાં મુખ્યત્વે બટાટા ૧પ,૭૭૬ ક્વીન્ટલ, ડુંગળી ૩૯,૧૦૦ ક્વીન્ટલ, ટામેટા પ૩૯૬ ક્વીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૩૪,૮૯૮ ક્વીન્ટલ છે. રાજ્યમાં ફળોની આવક ૧૦,૧૪૮ ક્વીન્ટલ રહી છે.