અંકલેશ્વર, તા.૩
અંકલેશ્વરમાં છેલ્લા લગભગ ૧.૫ વર્ષથી કાર્યરત ‘ભૂખ્યાને ભોજન’ સેવામાં રાજ્યસભા સાંસદ અહમદ પટેલે પણ પોતાનું યોગદાન આપતા રોટલી બનાવવાનું અત્યાધુનિક મશીન અનુદાન તરીકે આપ્યું છે.
રાજ્યસભા સાંસદ અહમદ પટેલે છ લાખથી પણ વધુ કિંમતનું રોટલી બનાવવાનું મશીન પોતાના તરફથી ભેટ આપ્યું છે જેમાં રોટલી બનાવવાના લુવાથી લઈને રોટલી બનીને તૈયાર થઈને બહાર આવે એવી પણ સુવિધા છે. આ મશીનની શરૂઆત ભૂખ્યાને ભોજન સેવાની પરિકલ્પના કરનાર માંગીલાલ રાવલ, અતુલ મુલાણી સહિતના સ્વયંસેવકોએ કરી હતી. આ અંગે માંગીલાલ રાવલે જણાવ્યું હતું કે અહમદભાઇ પટેલના આ અનુદાનથી અને આ મશીનના ઉપલબ્ધ કરવવાથી અનેક લોકોનો જઠરાગ્નિ હવે વહેલી તકે શાંત કરી શકાશે. આ બદલ તેમણે અહમદ પટેલનો આભાર માન્યો હતો.
‘ભૂખ્યાને ભોજન’ સેવાકીય કાર્ય અંકલેશ્વરમાં ચાર સ્થળે સેન્ટર હોય ગરીબ અને જરૂરતમંદ લોકો ત્યાં જમીને પોતાની ભૂખ ઠારતા હોય છે. આ સેવાકીય કાર્યમાં તાજેતરમાં લોકડાઉનમાં શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા હતા ત્યારે પણ તેઓને ભોજન પહોંચાડાયું હતું.
આ પ્રસંશનીય કાર્યમાં માંગી લાલ રાવલ, અતુલ મુલાણી, અસલમભાઇ ખેરાણી, મુખ્તિયારભાઈ મલેક, ભરતભાઇ પટેલ વગેરેએ કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર સેવા આપી રહ્યા છે.