નર્મદા નદીમાં આવેલ પૂર પાછળ સરદાર સરોવર નિગમની બેદરકારી જવાબદાર ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી સહાય અને વળતર ચૂકવવાની માંગ

ભરૂચ, અંકલેશ્વર, તા.પ

નર્મદા નદીમાં આવેલાં પૂરની પાછળ રાજયસભાના સાંસદ અહમદ પટેલે સરદાર સરોવર નર્મદા નિગમની બેદરકારીને જવાબદાર ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પણ લખ્યો છે.

રવિવારના રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. નર્મદા ડેમમાંથી પાંચ દિવસમાં આશરે ૩૦ હજાર કયુબિક પર સેકન્ડ જેટલું પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી ડાઉનસ્ટ્રીમમાં ફરી વળતાં ખેતી તથા અન્ય સંશાધનોને વ્યાપક નુકસાન થયું છે. પુરની સ્થિતિ માટે રાજયસભાના સાંસદ અહમદ પટેલે સરદાર સરોવર નર્મદા નિગમની બેદરકારીને જવાબદાર ગણાવી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન નર્મદા ડેમમાંથી આશરે ૩૦ હજાર કયુબિક પર સેકન્ડના દરથી પાણી છોડવામાં આવ્યું હતું.  ૨૬મી ઓગષ્ટના રોજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી હોવા છતાં સરદાર સરોવર નિગમના અધિકારીઓએ કોઇ કાર્યવાહી કરી ન હતી અને અચાનક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. પૂરના કારણે ગરૂડેશ્વરથી  ભરૂચ સુધીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો છે. સરદાર સરોવર નર્મદા નિગમની બેદરકારીના કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો હતો. સરકારે ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી સહાય અને વળતરની ચૂકવણી કરવી જોઇએ. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નેહરૂએ લોકોની સુખાકારી માટે નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો ત્યારે તે સાચા અર્થમાં જીવાદોરી બની રહે તે માટે રાજય સરકારે ડેમનું સુચારૂ સંચાલન કરવું જોઇએ.