(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણી શુક્રવાર ૧૯મી જૂને યોજાનાર હોઈ તે અંગેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા લગભગ કરી લેવામાં આવી છે. કોરોનાની મહામારીને લઈ તે અંગેની ચોક્કસ ગાઈડલાઈનના અમલ સાથે જ આ ચૂંટણી યોજાનાર હોઈ તે અંગેની વિગતો ઉમેદવારો તથા રાજકીય પક્ષોના એજન્ટોને આપી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ તથા શંકાસ્પદ એવા મતદાર ધારાસભ્યો માટે પણ અલગ એસઓપી તૈયાર કરવામાં આવેલ છે. રાજ્યસભાની આ ચૂંટણી માટે બન્ને રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ દ્વારા જીત માટેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે સાથે બેઠકોનું ગણિત અંકે કરવા ખાસ રણનીતિ સાથે બન્ને પક્ષોના અગ્રણી નેતાઓ પરસેવો પાડી જંગ જીતવા મથી રહ્યા છે.
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટે તા.૧૯ જૂન શુક્રવારે સવારે ૯ઃ૦૦થી સાંજે ૪ઃ૦૦ કલાક દરમિયાન વિધાનસભા સચિવાલય ખાતે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં મતદાન બાદ તે જ દિવસે સાંજે પઃ૦૦ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીની સમગ્ર કામગીરીની દેખરેખ માટે સ્પેશિયલ ઓબ્ઝર્વર તરીકે રાઘવ ચંદ્રા (રિટા.આઈએએસ)ની નિમણૂંક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યની રાજ્યસભાની મુદ્દત પૂર્ણ થતાં આ ચૂંટણી યોજાઈ રહી છે જેથી ભાજપ ફરીથી ત્રણેય બેઠક અંકે કરવા તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. જ્યારે વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ ભાજપ ત્રીજી બેઠક જીતી શકે તેમ ન હોઈ અને કોંગ્રેસ બે બેઠકો જીતી જાય તેમ હોઈ ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની કામગીરી હાથ ધરાઈ અને તેને પગલે વધુ ત્રણ કોંગી ધારાસભ્યોના રાજીનામા પડયા હોવાની રાજકીય આલમમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. દરમિયાન હજુ ભાજપ દ્વારા છેલ્લે સુધી જીત માટે મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસમાંથી બાકી રહેલ ધારાસભ્યોને સાચવવા સાથે જરૂરી મત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન બન્ને પક્ષોના ધારાસભ્યોને હવે પોલિંગ સહિતની તાલીમ આપવા માટે ભેગા કરવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યો ગાંધીનગરમાં તો કોંગ્રેસના અમદાવાદની ઉમેદ હોટલમાં ભેગા થયા છે. એક રીતે કહીએ તો મતદાન સુધી આ બધા ધારાસભ્યો ક્વોરન્ટાઈનમાં રહેશે. હાલમાં તો ભાજપનું પલડું ભારે જણાય છે પરંતુ કોંગ્રેસ પણ છેલ્લે સુધી લડી લેવા મક્કમ બનેલ છે. ભાજપને પોતાના ૧૦૩ ધારાસભ્યો ઉપરાંત બીટીપીના બે અને એનસીપીના કાંધલ જાડેજાનો મત મળે તો ભાજપ ત્રણેય બેઠકો જીતી જાય તેમ છે. એનસીપીના કાંધલ જાડેજાને પક્ષ તરફથી કોંગ્રેસને મત આપવાનું વ્હીપ અપાયું હોવા છતાં અગાઉની જેમ તેઓ વ્હીપને અવગણી ભાજપને મત આપે તેવી શક્યતા પ્રબળ મનાઈ રહી છે. ત્યારે હવે આ જંગ ભારે રસાકસીપૂર્ણ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. બીજી તરફ ચૂંટણી પંચે વિધાનસભા સચિવાલય ખાતે ચૂંટણી અંગેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. કોરોનાને લઈ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની કડક ગાઈડલાઈનના અમલ સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં કોરોના પોઝિટિવ-શંકાસ્પદ વગેરે માટે મંજૂરી સાથે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ બધી સઘળી બાબતો અંગે ઉમેદવારો તથા બન્ને રાજકીય પક્ષોના એજન્ટોને પંચ તરફથી વિગતો આપી દેવામાં આવી છે.