(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૨૩
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ફરી એકવાર રાજકીય ગરમી વધી ગઇ છે. રાજ્યસભામાં અવધિ પૂર્ણ કરી લીધા બાદ ચાર સભ્યો હવે નિવૃત્ત થતાં ચાર બેઠકો માટેની ચૂંટણી યોજાનાર છે. કાર્યક્રમ મુજબ ચૂંટણી માટેનું જાહેરનામુ પાંચમી માર્ચના દિવસે જાહેર કરવામાં આવ્યા બાદ ૨૩મી માર્ચના દિવસે ચૂંટણી યોજાશે. ગુજરાતના જે ચાર સભ્યો નિવૃત્ત થઇ રહ્યા છે તેમાં વર્તમાન નાણાંમંત્રી અરુણ જેટલી, શંકર વેગડ, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી ચૂકી છે. છેલ્લે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વેળા કાયદાકીય દાંવપેચ રમાયા હતા. મોડી રાત સુધી મામલો ચાલ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી યોજાઈ હતી જે ખુબ જ હાઈડ્રામાવાળી બની ગઈ હતી. તે વખતે કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે બળવંતસિંહ રાજપૂતને હાર આપી હતી જ્યારે ભાજપના પ્રમુખ અમિત શાહે પ્રથમ વખત એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત સ્મૃતિ ઇરાની પણ એ વખતે જીત્યા હતા. હવે ચાર બેઠકોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને લઇને જાહેરનામુ જારી થઇ ગયા બાદ રોમાંચકતા વધશે. રાજ્યસભાની પ્રતિષ્ઠિત ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ૧૮૨ સભ્યોના ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધીના હોઈ હવે ૪ બેઠકો મળી શકે તેમ નથી તે સ્પષ્ટ છે. ત્યારે તે બાદ ભાજપ ત્રણ કે બે બેઠકો મેળવે છે તે માટેની રણનીતિ ઘડવામાં બંને પક્ષો લાગી ગયા છે.