અમદાવાદ, તા.૮
રાજ્યસભાની ચૂંટણીમાં ચારમાંથી ત્રણ બેઠકો પર કબજો જમાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. તેણે ગંદી રાજનીતિ શરૂ કરી કોંગ્રેસના કુલ ૮ ધારાસભ્યોના રાજીનામા અપાવી કોંગ્રેસને તોડવાના ભરપૂર પ્રયાસો જારી રાખ્યા છે ત્યારે કોંગ્રેસે પોતાનું હુકમનું પત્તુ ખોલી ર૦૧૭ની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહને પછાડનાર અહમદ પટેલ ખુદ મેદાનમાં ઉતરતા કોંગ્રેસના ઉમેદવારોને બન્ને બેઠકો જીતવાની આશા જાગી છે.
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજનીતિના કુશળ જાણકાર અહમદ પટેલ ખુદ હવે કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અહમદ પટેલને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ અહમદ પટેલનાં રાજકીય ગણિત આગળ ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો.
એનસીપી દ્વારા ગતરોજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારને વોટ આપવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યું હતું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જેઓએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. પણ હવે વ્હીપ આવતાં એનસીપીનો એક વોટ કોંગ્રેસના ફાળે આવશે તે નક્કી છે. કોંગ્રેસને હવે જીત માટે BTPના ધારાસભ્યોનો મત મેળવવો ખુબ જ જરૂરી છે. અને બીટીપીને મનાવવા માટે ખુદ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહમદ પટેલ ચૂંટણીનાં જંગમાં ઉતરી આવ્યા છે. બીટીપીના નેતા છોટુ વસાવા સાથે અહમદ પટેલ સંપર્કમાં છે. અને બીટીપીના બંને મત કોંગ્રેસનાં મળે તે માટે અહમદ પટેલ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને આ માટે અહમદ પટેલે છોટુ વસાવા સાથે વાટાઘાટો પણ શરૂ કરી દીધી છે.
ગત રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી અહમદ પટેલ મેદાનમાં હતા, જ્યારે ભાજપે તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. એ વખતની હાઈ-પ્રોફાઇલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસનાં અહમદ પટેલની ટક્કર બળવતસિંહ રાજપૂત સાથે હતી. ભાજપે અહમદ પટેલને હરાવવા માટે તમામ કાવાદાવા કરી લીધા હતા. કોંગ્રેસના ૫૭માંથી ૧૫ ધારાસભ્યોનાં રાજીનામા પડાવી લીધા હતા અને ક્રોસ વોટિંગ પણ કરાવ્યું હતું. જે બાદ અહમદ પટેલ હારે તેવી પૂરેપૂરી સંભાવના હતી. પણ તે જ વખતે શક્તિસિંહ ગોહિલે ટેક્નિકલ કારણો આગળ ધરીને ભાજપના બે વોટ રદ કરાવી દીધા હતા. તો છોટુ વસાવાએ પણ પાર્ટીના વ્હીપને અવગણી અહમદ પટેલને મત આપ્યો હતો અને કોંગ્રેસનાં ટ્રબલ શૂટર ગણાતાં અહમદ પટેલની ચૂંટણીમાં જીત થઈ હતી અને રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહને પણ હારનો સ્વાદ અહમદ પટેલે ચખાડ્યો હતો.