(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી અગાઉ કોંગ્રેસને દગો આપી ૮ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ ખાલી પડેલી આ આઠ બેઠકોની પેટાચૂંટણી આગામી સપ્ટેમ્બર માસમાં યોજાવાની છે. ત્યારે આ પેટાચૂંટણીમાં આઠે આઠ બેઠકો પરત મેળવવાની જવાબદારી કોંગ્રેસે સિનિયર નેતાઓએ સોંપી છે. રાજ્યની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે તારીખની જાહેરાત શનિવાર સુધીમાં થઈ જાય તેવી શક્યતા છે. ભાજપે તો આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી આઠે આઠ બેઠકો આંચકી લેવા રાજ્યસભાની ચૂંટણી અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી તમામ બેઠકો માટે સિનિયર મંત્રી સહિત બે ઈન્ચાર્જની નિમણૂક પણ કરી દીધી છે. જો કે, કોંગ્રેસ તો પોતાના ધારાસભ્યોને સાચવવામાં પડી હોવાથી તેને તૈયારી કરવાનો મોકો મળ્યો ન હતો. હવે નવરાશ મળતા સિનિયર નેતાઓને બેઠક દીઠ જવાદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે સિનિયર નેતાઓને ૮ બેઠકોની જવાબદારી સોંપી છે તેમાં સૌથી મોટી જવાબદારી રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. તેમને ગઢડા અને અબડાસા એમ બે બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લીંબડી વિધાનસભા બેઠકની જવાબદારી પૂર્વ પ્રમુખ અને વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાને સોંપવામાં આવી છે. જ્યારે કરજણ બેઠક માટે સિદ્ધાર્થ પટેલ, ડાંગ બેઠક માટે તુષાર ચૌધરી, કપરાડા બેઠક માટે ગૌરવ પંડ્યા, ધારી બેઠક માટે પુંજાભાઈ વંશ અને મોરબી બેઠક માટે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ માટે તો વકરો એટલો નફો હોવાથી તે કોઈ પણ ભોગે વધુમાં વધુ બેઠકો આંચકી લેવા પ્રયાસો કરશે. જ્યારે કોંગ્રેસ માટે આઠે આઠ બેઠકો જાળવી રાખવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી તે મરણિયું બનશે. આથી આ પેટાચૂંટણી ભારે રસાકસીવાળી બની રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે.