(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પાંચ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે ભાજપને બે બેઠક જ મળે તેમ છે. પરંતુ ત્રીજી બેઠક પડાવી લેવા ભારે ધમપછાડા મારી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ બીજી બેઠક બચાવવા તેના ધારાસભ્યોને આમથી તેમ ફેરવી રહ્યો છે. કોંગ્રેસને બીજી બેઠક માટે બીટીપીના બે મત, અપક્ષનો એક મત અને ભાજપના ધારાસભ્યોમાંથી કોઈ એકની ભૂલ જ જીતાડી શકે છે. રાજ્યસભાની ચૂંટણી માટે એક-એક મત બંને પક્ષોના જીવ ઊંચા કરી રહ્યો છે. ભાજપને કાયદેસર રીતે બે બેઠક જ મળે તેમ છે. પરંતુ ત્રીજી બેઠક પડાવી લેવા નરહરી અમીનને ઊભા કરી કોંગ્રેસનો જીવ તાળવે ચોંટાડી દીધો છે. ત્યારબાદ ભાજપે કોંગ્રેસના ૮ જેટલા ધારાસભ્યોને ફોડી મોટો ફટકો આપ્યો છે. હવે કોંગ્રેસના ૬૬ ધારાસભ્યો બાકી રહ્યા હોવાથી કોંગ્રેસે બાકીના ધારાસભ્યોને સાચવવા રિસોર્ટમાં ત્યારબાદ વિવિધ સ્થળોએ ફેરવી ગતરાત્રિથી અમદાવાદ એરપોર્ટ નજીકની તાજ ઉમેદ હોટલમાં લાવી રાખી મૂક્યા છે હવે આવતીકાલે સીધા જ ગાંધીનગર લઈ જશે. બીજી તરફ ભાજપના ધારાસભ્યો ગાંધીનગરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જો કે, ભાજપના નેતાઓ અંદરખાને ફફડાટ અનુભવી રહ્યા છે કે, જો એકાદ બે ધારાસભ્યો ભૂલ કરી બેસે તો આખી બાજી બગડી જાય તેમ છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસનું ૬૬ મતનું સંખ્યાબળ છે. બીટીપી વગર કોંગ્રેસના બીજા ઉમેદવારને ૩૦.૬ મત મળે છે. જ્યારે બીટીપી સાથે કોંગ્રેસના બીજા ઉમેદવારને ૩૨.૬ મત મળે છે. જ્યારે ભાજપના ત્રીજા ઉમેદવાર પાસે સીધા ૩૩.૨ મત છે. બીટીપી રાજ્યસભાની ચૂંટણીમાં ગેમ ચેન્જરની ભૂમિકામાં છે. જો બીટીપીનો એક પણ મત ભાજપ તરફ રહે તો જીત નક્કી છે. બીટીપીના બે મત કોંગ્રેસ તરફ રહે તો કશ્મકશની હાલતછે. જો ભાજપમાંથી કોઈ ધારાસભ્ય ભૂલ કરે તો કોંગ્રેસ જીતી શકે તેમ છે. આથી ભાજપના નરહરી અમીન અને ભરતસિંહ સોલંકી વચ્ચે ભારે હરીફાઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે ૫ વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવી છે તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકના આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે. પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ (ભાજપ), બીજા ક્રમાંકમાં નરહરી અમીન (ભાજપ), ત્રીજા ક્રમાંકે શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ), ચોથા ક્રમાંકમાં રમીલાબેન બારા (ભાજપ) અને પાંચમા ક્રમાંકે ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે.

રાજ્યસભા ચૂંટણીમાં સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાશે

ચૂંટણી પહેલાં બે વાર મતદાન સ્થળનું સેનિટાઈઝેશન કરાશે. સેનિટાઈઝેશન અને મેડિકલ તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. બીજી તરફ ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ગુજરાત ચૂંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે, જે દિલ્હીથી ગુજરાત આવ્યા છે. મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પહેલી વાર વીડિયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રખાશે એટલું જ નહીં પણ વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખી શકશે.