(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૧
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડી રહેલી ચાર બેઠકો માટે તા.ર૬ માર્ચે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કવાયત અને તે અંગેની અટકળો વચ્ચે ભાજપ દ્વારા તેમના બે ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડની સ્ટાઈલ પ્રમાણે જ અટકળોમાં ચાલી રહેલા નામો સિવાયના આશ્ચર્યજનક નવા જ નામો પર પસંદગી ઉતારવામાં આવી છે. એટલે કે ભાજપ એ નોરિપીટ થિયરી અપનાવી બંને નવા ચહેરા પસંદ કર્યા છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે ભાજપે આજે ગુજરાતમાંથી રાજકોટના અભય ભારદ્વાજ અને પૂર્વ એમએલએ રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક ભાજપ પ્રમુખ જગતપ્રકાશ નડ્ડાના નેતૃત્વમાં આજે મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી સમિતિએ આગામી રાજ્યસભાની ચૂંટણી માટે આજે નવ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જે પૈકી ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની જાહેરાત કરાઈ હતી. મધ્યપ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની જાહેરાત કરાઈ હતી.
ભાજપના જાહેર થયેલ ઉમેદવારોમાં અભય ભારદ્વાજ રાજકોટના અગ્રણી વકીલ છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં વર્ષોથી સક્રિય છે. તેઓ રાજકોટ બાર એસો.ના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ સંઘ સાથે પણ જોડાયેલા છે. જ્યારે રમીલાબેન બારા ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં તેઓ પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ છે. તેઓ સનદી અધિકારી પણ રહી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજ્યસભાના ચાર સાંસદો ભાજપના ચુની ગોહેલ, કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી, ભાજપના લાલસિંહ અને ભાજપના શંભુપ્રસાદ ટુંડીયાની અવધિ પૂર્ણ થઈ રહી છે. વિધાનસભામાં ભાજપની હાલનું સંખ્યાબળ જોતા ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે. કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. દરમ્યાન ભાજપ હવે તેમનો ત્રીજો ઉમેદવાર જાહેર કરે છે કે કેમ ? તે અંગેની ચર્ચા શરૂ થઈ છે. વિધાનસભાનું ગણિત જોઈ ઉમેદવાર ઊભો નથી રાખવો કે પછી તડજોડની રણનીતિના ભાગરૂપે ઊભો રાખે છે ? તે જોવાનું રહ્યું.