અમદાવાદ, તા.૨૦
એક મહત્ત્વમાં ઘટનાક્રમમાં ભાજપના નેતા બળવતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલે ઉઠાવેલા તમામ વાંધાઓ નકારી કાઢીને હાઇકોર્ટે રાજપૂતની પિટિશનની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજપૂતે કરેલી પિટિશનના જવાબમાં અહમદ પટેલે અનેક વાંધા ઉઠાવ્યા હતા અને કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. જો કે, કોર્ટે તે ગ્રાહ્ય રાખ્યા નહોતા. આથી હવે રાજપૂતની પિટિશનની ગુણદોષના આધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે, તેઓએ કોંગ્રેસના સાંસદ અહમદ પટેલની રાજ્યસભા ચૂંટણીમાં જીત વિરૂદ્ધ કરેલી રિટ પિટિશનમાં સામેવાળા પક્ષકાર તરીકે ચૂંટણી પંચનું નામ દૂર કરે. રાજ્યસભાની ચૂંટણી ગત ઓગસ્ટ મહિનામાં યોજાઈ હતી અને તેમાં રાજપૂત સામે પટેલનો વિજય થયો હતો. આથી રાજપૂતે બે કોંગ્રેસ નેતાઓના વોટ રદ કરવામાં પંચના નિર્ણયને પડકાર્યો હતો. આ નિર્ણયને કારણે રાજપૂત હરિ ગયા હતા. હાઇકોર્ટમાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ આદેશ આપ્યો હતો કે, રાજપૂતે તેમની પિટિશન સુધારીને તેમાંથી ચૂંટણી પંચનું નામ હટાવાનું રહેશે. જો કે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, કેસની સુનાવણી દરમિયાન રાજપૂત બે વોટ રદ્દ કરવા બાબતે મૌખિક દલીલો કરી શકશે. અગાઉ થયેલી સુનાવણી દરમિયાન પટેલના વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે, રાજપૂત તરફથી તેમને પિટિશનની અસલી નકલ નહીં અપાઈ હોવાથી આ પિટિશન રદ થવી જોઇએ. કારણ કે આ કૃત્ય ઇલેક્શન પિટિશન ચલાવવા બાબતે ઘડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે કોર્ટને કહ્યું હતું કે, તેમને પછીથી અપાયેલી નકલમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે. સિબ્બલે અગાઉ રજૂઆત કરી હતી કે ઇલેક્શન પિટિશનના નિયમ મુજબ ચૂંટણી પંચને પક્ષકાર બનાવી શકાય નહીં અને તે લોક પ્રતિનિધિત્વ ધારાથી વિરૂદ્ધ છે. કોર્ટે આ દલીલો માન્ય રાખી હતી.