(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી માસમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે પ્રથમવાર એવું બન્યું છે કે, રાજ્યસભામાં મોકલવા કે જવા કોંગ્રેસના સિનિયર નેતાઓમાં હોડ જામી છે. હાલ ગુજરાતમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીની હાજરીમાં સિનિયરો હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાથી કોંગ્રેસ સિનિયર નેતાઓને રાજી રાખવા પણ આ કવાયત હાથ ધરતી હોય તેમ જણાય છે. રાજ્યસભાની ૨ બેઠક માટે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવડિયાનું નામ ટોપ પર સંભળાઈ રહ્યું છે. સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરીના નામ પણ ચર્ચામાં છે. બાલુભાઈ પટેલ, હિંમાશુ વ્યાસે પણ રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરવા કે ન કરવા તે અંગે પણ નેતાઓ અસમંજસમાં જોવા મળી રહ્યા છે. ઉપરના નામ પર ચર્ચા કરવામાં આવે તો મધુસુધન મિસ્ત્રીને કોંગ્રેસ ગુમાવશે નહીં. શક્યતા તો એવી પણ સેવાઈ રહી છે કે મધુસુદન મિસ્ત્રીને કોંગ્રેસ રિપીટ કરશે કારણ કે તેમની રાજ્યસભામાં જરૂર પડી શકે છે. મધુસુદન મિસ્ત્રી એ જ નામ છે જેણે અગાઊ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરા બેઠક પરથી ટક્કર આપી હતી. જો કે તેઓ હારી ગયા હતા. આ બેઠક પર ચૂંટણી લડવાના કારણે જ મધુસુદન મિસ્ત્રી ચર્ચામાં આવ્યા હતા. આથી કદાવર નેતાઓમાં સામેલ થતા મધુસુદન મિસ્ત્રીના નામ પર રિપીટ નામનો સિક્કો મારે તો નવાઈ નહીં. એક સમય હતો જ્યારે શક્તિસિંહ, અર્જૂન અને શંકરસિંહ વાઘેલાની ત્રિપુટી ભાજપના સંખ્યાબળને વિધાનસભામાં હંફાવી દેતી હતી. પરંતુ સમયે કરવટ બદલતા ગુજરાતના રાજકારણના આ બે સિંહો ખોવાઈ ગયા. શક્તિસિંહને પ્રભારી બનવાનો વારો આવ્યો જ્યારે અર્જૂન મોઢવાડિયા કોઈ કોઈ વાર જ કોંગ્રેસની સભાઓમાં અલપ-ઝલપ દેખાયા કરે છે. ત્યારે આગામી સમયમાં આ બંન્ને નેતાઓને ગુજરાત કોંગ્રેસ મેદાનમાં ઉતારશે તો અચૂક રાજ્યસભામાં ભાજપને બરાબરની ટક્કર મળવાની છે. કારણ કે ગુજરાત વિધાનસભામાં પણ ભાજપની સરકારને આ નેતાઓ હંફાવી ચૂક્યા છે. સિદ્ધાર્થ પટેલની ગણતરી પણ ગુજરાત કોંગ્રેસના શક્તિશાળી રાજકારણીઓમાં થાય છે. તેઓ ચાર વખત ડભોઈથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં નેતૃત્વ કરી ચૂક્યા છે. જેથી કોંગ્રેસ ફરી એક વખત ભાજપને રાજ્યસભામાં ટક્કર આપવા માટે સિદ્ધાર્થ પટેલ પર પસંદગીની મહોર મારી શકે છે. ગુજરાત કોંગ્રેસના એક સમયના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી પણ રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. આ નામની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ભરતસિંહ સોલંકી ગુજરાતના રાજકારણનું સૌથી મોટું નામ છે. ગુજરાત કોંગ્રેસની અધ્યક્ષ તરીકેની તેઓ બાગડોર પણ સંભાળી ચૂક્યા છે. જો કે, આખરી નિર્ણય તો કોંગ્રેસ હાઈકમાન્ડ જ કરશે.