(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અમિત શાહે સોમવારે સંસદના ઉપલા ગૃહમાં પોતાના પહેલા ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. વડાપ્રધાન મોદીની પકાડો વેચવાની સલાહનો બચાવ કરતાં શાહે કહ્યું કે બેરોજગારી કરતાં પકોડા વેચવા સારી વાત છે. યુપીએ સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું કે આ દરમિયાન ભ્રષ્ટાચારની બોલબાલા હતી અને દેશની નીતિને લકવા લાગી ગયો હતો. મોદીના પકોડા વાળા બયાનનો બચાવ કરતાં શાહે કોંગ્રેસ નેતા પી.ચીદંબરમની ભીખારી સાથેની તુલના અંગે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. શાહના પહેલા ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી પણ ગૃહમાં હાજર હતા. શાહે કહ્યું કે કરોડો યુવાનો નાના-મોટો કારોબાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે, પકોડા બનાવી રહ્યાં છે. તેની તમે ભીખારી સાથે તુલના કરી. આ કેવા પ્રકારની માનસિકતા છે. પકોડા બનાવવા કોઈ શરમજનક વાત નથી. ઘણા બેરોજગારો પકોડા બનાવી રહ્યાં છે તેની બીજી પેઢી આગળ આવશે. જીએસટીને ગબ્બર સિંહ ટેક્ષ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં શાહે કહ્યું કે જીએસટી માટે ગબ્બર સિંહ ટેક્સ કહેવામાં આવ્યો. તેમણે કહ્યું કે શું કાયદા દ્વારા બનાવવામાં આવેલા ટેક્ષની વસૂલી કરવી ખોટી છે. તમારામાં સમજ જેવું કંઈ છે કે નહીં. જીએસટી ક્યાં જાય છે, વન રેન્ક, વન પેન્શન, શહીદની વિધવાના બેન્ક ખાતામાં, ગરીબોના ઘેર જાય છે. લોકોને ટેક્ષ ન ચૂકવવવા માટે ઉશ્કેરવા સારી બાબત નથી. રાજ્યસભામાં પહેલી વાર બોલવા ઊભા થયેલા અમિત શાહે યુપીએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે ૨૦૧૩ માં દેશનું ભવિષ્ય દિશાવિહન હતું, મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરતી હતી. સીમાઓની રક્ષા કરનાર જવાન રાજકીય નિર્ણયને કારણે પોતાના શૌર્યનું પ્રદર્શન કરી શકતા નહોતા. શાહે તેમના ભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. શાહે કહ્યું કે મોદી સરકારે સાડા ત્રણ વર્ષમાં ચૂંટણીના વચનો પૂર્ણ કર્યાં છે. ૨૦૧૪ માં જ્યારે ૩૦ વર્ષ બાદ કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી અને આઝાદી બાદ દેશમાં પહેલી વાર કોઈ એક પક્ષની સંપૂર્ણ બહુમતી વાળી સરકારની રચના થઈ. શાહે કહ્યું કે મોદીને જ્યારે એનડીએના નેતા તરીકે પસંદગી થી ત્યારે તેમણે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું જે સરકાર બનવા જઈ રહી છે તે ગરીબો, પછાતોની, પીડિતોની યુવાનો અને મહિલાઓની સરકાર હશે. સરકાર અંત્યોદયના સિદ્ધાંત પર આગળ વધી રહી છે. અંત્યોદયનો અર્થ સમાજના છેવાડાના લોકોને પહેલી હરોળમાં લાવવાનું છે. શાહે એવું પણ કહ્યું કે તેમને સાડા ત્રણ વર્ષ પાછળ નજર નાખતાં નવાઈ લાગે છે. બજેટમાં ઘોષિત ૧૦ કરોડ લોકો માટે આયુષ્યમાન ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું કે ભવિષ્યમાં તેને નમો હેલ્થકેર નામથી ઓળખવામાં આવશે.