સાંસદોના વર્તનથી દુઃખી છું, રવિવાર રાજ્યસભા માટે એક ખરાબ દિવસ હતો : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ • અમે ખેડૂતો માટે લડી રહ્યા છીએ : સસ્પેન્ડ કરાયેલા સાંસદો

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
રાજયસભામાં વિવાદાસ્પદ કૃષિ ખરડાઓ પસાર કરવા વિરૂદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવનાર વિપક્ષના આઠ સાંસદોને સોમવારે સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાંસદો પર ગૃહમાં શિસ્ત ન જાળવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડ થયેલા સાંસદોમાં તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજયસિંઘ, કોંગ્રેસના રાજીવ સાતવ, સૈયદ નાસીર હુસૈન અને રિપુન બોરા તેમજ સી.પી.આઈ. (એમ)ના કે.કે. રાગેશ અને એલ્મલાશન સામેલ છે. રાજયસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ગઈકાલે જે થયું તેનાથી હું ખુબ દુઃખી છું. તેમાં કોઈ તર્ક ન હતો. રવિવાર રાજયસભા માટે એક ખરાબ દિવસ રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજયસભાના સભ્યોએ કાગળો ફેંકયા, માઈક તોડી પાડયું તેમજ ડેપ્યુટી ચેરમેનને અપશબ્દો બોલી તેમને ધમકાવ્યાં આ સાથે જ રાજયસભાના ચેરમેને ડેપ્યુટી ચેરમેન વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો હતો. બીજી તરફ વિપક્ષે આ કાર્યવાહીનો તીવ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષની માગણી હતી કે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોને સ્પષ્ટતા કરવાની તક આપવી જોઈએ. વિપક્ષે આ અંગે મતદાનની પણ માગણી કરી હતી. પરંતુ ધ્વનિમત વડે આ ઠરાવને પસાર કરી દેવામાં આવ્યો હતો. જો કે સસ્પેન્ડ થયેલા સાંસદોએ ગૃહની બહાર જવાનો ઈન્કાર કર્યો હતો. આ અંગે હોબાળો થતા ગૃહની કાર્યવાહીને ર૦ મિનિટ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સસ્પેન્ડ કરાયેલા એક સાંસદે ગૃહમાં જ રાત્રિ રોકાણ કરવા માટે ધાબળા અને ઓશિકાની માગણી કરી હતી. છેવટે તેઓ હાથમાં પ્લેકાર્ડસ લઈ સંસદના પરિસરમાં ધરણા પર બેસી ગયા હતા. આ પ્લેકાર્ડસમાં લખ્યું હતું. અમે ખેડૂતો માટે લડી રહ્યા છે અને સંસદની હત્યા કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે રવિવારે રાજયસભામાં કૃષિ ખરડાઓ પર ચર્ચા દરમ્યાન વિપક્ષે માંગ કરી હતી કે આ ખરડાઓને સિલેકટ કમિટી પાસે મોકલવામાં આવે અને ચર્ચાને સોમવાર સુધી લંબાવવામાં આવે પરંતુ ડેપ્યુટી ચેરમેને વિપક્ષની માગણી સ્વીકારી ન હતી અને ધ્વનિમત વડે બંને ખરડા પસાર કરી દેવામાં આવ્યા હતા. ડેપ્યુટી ચેરમેન હરિવંશસિંહે વિપક્ષની મત વિભાજનની માગણી પણ સ્વીકારી ન હતી જેના કારણે રોષે ભરાયેલા વિપક્ષી સાંસદોએ રૂલબુક ફાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ધાંધલ દરમ્યાન ડેપ્યુટી ચેરમેનનું માઈક તૂટી ગયું હતું. વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટવીટ કર્યું હતું કે લોકતાંત્રિક ભારતને ચુપ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે. પહેલા સાંસદોને ચુપ કરાવવાના પ્રયત્નો થાય છે અને ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. ખેડૂતો અને કાળા કૃષિ કાયદાઓ અંગે વ્યકત કરવામાં આવેલી ચિંતાઓની સંપૂર્ણપણે અવગણના થઈ રહી છે. સરકારના ધમંડના કારણે સમગ્ર દેશમાં આર્થિક કટોકટી ઉભી થઈ ગઈ છે. બીજી તરફ ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે કૃષિ ખરડાઓના ધ્વનિમતનો બચાવ કરતા કહ્યું હતું કે, જયારે સાંસદો ગૃહની સંપતિને નુકસાન પહોંચાડી રહ્યા હોય ત્યારે મતવિભાજન શકય નથી.